આમચી મુંબઈ

પોલીસના જવાનો માટે રાહતના ન્યૂઝઃ ડ્યૂટીના કલાકોમાં થઈ શકશે ફેરફાર

મુંબઈઃ જાહેર મેળાવડાઓ કે વીવીઆઈપી વિઝિટ લઈને પોલીસના જવાનોને કલાકો સુધી ખડેપગે રહેવું પડે છે જેની તેમના આરોગ્ય પર અસર થાય છે. જોકે, પોલીસના જવાનાના આરોગ્યને ધ્યાનમાં રાખીને ડ્યૂટીના કલાકોમાં ફેરફાર કરવાની પ્રશાસન દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ પોલીસની આઠ કલાકની ડ્યૂટીનો મુદ્દો ફરી એક વાર ચર્ચામાં છે. કોરોના મહામારીને કારણે વિક્ષેપિત થયેલ આઠ કલાકના ડ્યૂટી શેડ્યૂલને પુનઃસ્થાપિત કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. હાલમાં મુંબઈના મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં આઠ કલાકની ડ્યુટીનો અમલ થતો નહીં હોવાથી તેનો ૧૦૦ ટકા અમલ થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસ અધિકારીઓને અપૂરતા માનવબળના કારણે બાર કલાકથી વધુ સમયની ડ્યુટી કરવી પડે છે.

જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ થાય છે અને તેઓ તેમના પરિવાર સાથે પૂરતો સમય ફાળવી શકતા નથી. આથી મુંબઈ પોલીસ દળમાં આઠ કલાક ડ્યૂટી કરવાની માંગે જોર પક્ડયું છે. ૨૦૧૬માં તત્કાલિન પોલીસ કમિશનર દત્તા પડસલગીકરે પોલીસની આ માંગણી કરી હતી. મુંબઈ પોલીસ દળમાં હાલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, તેથી ફરી એકવાર આઠ કલાકની ડ્યૂટીની માંગ વેગ પકડવા લાગી છે. તાજેતરમાં આ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તેમ જ તમામ પોલીસ સ્ટેશનમાં ફરી આ પ્રયોગ શરૂ કરવા કમિટી નિયુક્ત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરવાનો નિર્ણય લેવાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button