દશેરા નિમિત્તે ચાંપતો પોલીસ બંદોબસ્ત…
શહેરમાં બે સ્થળે દશેરા રૅલી, દેવી વિસર્જન તથા અનેક ઠેકાણે કાર્યક્રમોને કારણે પોલીસને માથે સુરક્ષાવ્યવસ્થાનું ટેન્શન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દશેરા નિમિત્તે મુંબઈમાં બે સ્થળે રૅલી અને માતાજીની મૂર્તિના વિસર્જન સહિત અનેક ઠેકાણે કાર્યક્રમોને પગલે પોલીસના માથે સુરક્ષાવ્યવસ્થાનું ભારે દબાણ હોવાનું કહેવાય છે. પોલીસે શુક્રવાર રાતથી જ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઈ મહત્ત્વનાં સ્થળોએ વધારાનાં સુરક્ષા દળોને તહેનાત કરી દીધાં હતાં. એ સિવાય કોઈ પણ સ્થળે નધણિયાતી વસ્તુ નજરે પડે તો તુરંત માહિતી આપવાની અપીલ પોલીસે કરી હતી.
આ પણ વાંચો : આચારસંહિતા પહેલા રાજ્ય સરકારના નિર્ણયોનો ધડાકો; એક મહિનામાં રેકોર્ડ બ્રેક 132 નિર્ણયો, 10 દિવસમાં 1291 આદેશ…
દશેરા નિમિત્તે શનિવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, જ્યારે દાદરના શિવાજી પાર્ક મેદાનમાં દર વર્ષની જેમ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની રૅલી છે. વળી, ઠેકઠેકાણે માતાજીની મૂર્તિના વિસર્જન માટે સરઘસ નીકળશે અને વિવિધ કાર્યક્રમો આયોજિત હોવાથી પોલીસે સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દીધી હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
જૉઈન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર)ની દેખરેખ હેઠળ છ એડિશનલ પોલીસ કમિશનર, 27 ડેપ્યુટી કમિશનર અને 54 આસિસ્ટન્ટ કમિશનર સુરક્ષાવ્યવસ્થાની જવાબદારી સંભાળશે. 2,300 પોલીસ અધિકારી અને 12 હજાર પોલીસ કર્મચારીને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે.
મહત્ત્વનાં સ્થળોએ એસઆરપીએફની ટુકડી, ક્યૂઆરટી, રાયટ્સ ક્ધટ્રોલ ફોર્સ, ડેલ્ટા, કોમ્બેક્ટ તેમ જ હોમગાર્ડ્સને પણ તહેનાત રહેવાની સૂચના આપવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Navi Mumbai Airport પર પહેલી ફ્લાઈટનું લેન્ડિંગ, કેનન સેલ્યુટ આપી
પોલીસે નાગરિકોને અપીલ કરી હતી કે ભીડના સ્થળે પોલીસ દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરીને સહકાર આપવો. અજાણી વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. પોલીસ મદદ માટે હેલ્પલાઈન નંબર 100 અને 112 પર સંપર્ક સાધવાનું પણ પોલીસ દ્વારા જણાવાયું છે.