નવા વર્ષની શરૂઆત ડ્રગમુક્ત અને દુર્ઘટનામુક્ત કરવાની પોલીસની અપીલ
થાણે: થર્ટીફર્સ્ટની રાતે દારૂ અને ડ્રગ્સનું સેવન કરીને વાહન નહીં ચલાવવાની નાગરિકોને અપીલ કરી નવી મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે નવા વર્ષની સુરક્ષિત શરૂઆત માટે પોલીસે પૂરતી તૈયારી કરી લીધી છે.
હોટેલ્સ, ફાર્મહાઉસ અને અન્ય સ્થળોએ વિવિધ કાર્યક્રમો અને પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિંદ ભારંબેએ જણાવ્યું હતું કે ખાસ કરીને 31 ડિસેમ્બરની રાતે મહિલા અને બાળકો સહિત પરિવારો માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે મુખ્ય રસ્તાઓ અને જંક્શનો પર પોલીસ અધિકારીઓને તહેનાત કરવામાં આવશે.
ડ્રગ્સ કે દારૂના નશામાં વાહન ન ચલાવવાનો નાગરિકોને અમારો અનુરોધ છે. નવા વર્ષની ઉજવણી જવાબદારીથી કરીએ. પોતાના તથા અન્યોની સુરક્ષાનું ધ્યાન રાખીએ. અમારું લક્ષ્ય 2025ની શરૂઆત ડ્રગમુક્ત અને દુર્ઘટનામુક્ત કરવાનું છે, એમ કમિશનરે જણાવ્યું હતું.
આ પણ વાંચો : શ્વાન સહિત પાળેલા પ્રાણીઓ સંબંધિત સમસ્યા માટે થાણેમાં યોજાયું સંમેલન
ડ્રન્ક ડ્રાઈવ અને નાર્કોટિક્સના ઉપયોગ સામે કડક પગલાં લેવા સહિત અમે માર્ગ સુરક્ષા કાયદાનો અમલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અંડરકવર પોલીસ સહિત ઠેર ઠેર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે. પનવેલ, ઉરણ સહિતના અન્ય વિસ્તારોમાં મોટી ઉજવણીઓ અને પાર્ટીઓ પર ખાસ નજર રાખવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઈ)