આમચી મુંબઈ

રામનવમી માટે પોલીસ અલર્ટ મોડ પર:શહેરમાં વધારાની સુરક્ષા ગોઠવી દેવાઈ…

મુંબઈ: ગયા વર્ષે રામનવમીની ઉજવણી દરમિયાન બનેલી તંગદિલીભરી ઘટનાઓ અને વક્ફ ખરડાના વિરોધને જોતાં મુંબઈ પોલીસ અલર્ટ મોડ પર હોવાનું કહેવાય છે. નાગપુરમાં હિંસા અને પછી ગુડીપડવાની કળશ યાત્રા વખતે મલાડની પઠાણવાડીમાં થયેલા ધિંગાણાને પગલે પોલીસે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખીને વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી હોવાનું કહેવાય છે.

શહેરના અમુક વિસ્તારોમાં રામનવમીની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા નીકળતી હોવાથી આવા વિસ્તારોની પોલીસ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. શોભાયાત્રાનો માર્ગ બદલવામાં ન આવે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો પાસેથી કે જે પરિસરમાં મસ્જિદ નજીકથી શોભાયાત્રા પસાર થવાની હશે ત્યાં વધારાની સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને આવા વિસ્તારોમાં સીસીટીવી કૅમેરાથી નજર રાખવામાં આવશે. જરૂર જણાશે ત્યાં પોલીસ ડ્રોનની પણ મદદ લેશે.

દરમિયાન વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સતર્કતા ખાતર શહેરમાં 20 ડેપ્યુટી પોલીસ કમિશનર અને 51 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુરક્ષાવ્યવસ્થા પર નજર રાખશે. સુરક્ષા માટે 2,500 પોલીસ અધિકારી અને 11,000 કર્મચારી ખડેપગે રહેશે. એ સિવાય મહત્ત્વનાં સ્થળોએ એસઆરપીએફની નવ ટુકડી ગોઠવી દેવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: પૂર્વના પરાંમાં કૉંક્રીટાઈઝેશનની ધીમી ગતિ: કૉન્ટ્રેક્ટરોને ચેતવણી…

અંધેરી વિસ્તારમાં ઘણા સ્થળોએ શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે. સુરક્ષાની સમીક્ષા ખાતર પોલીસે અંધેરીમાં રુટ માર્ચ પણ કરી હતી. ઉજવણી શાંતિથી થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી પોલીસ દ્વારા લેવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button