ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર 50 વૃક્ષો પર ઝેર પ્રયોગ, પોલીસ તપાસ શરૂ

મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ વે નજીક રોપવામાં જેટલાં 50 જેટલા વૃક્ષો પર ઝેર નાખવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે. આ ગંભીર ઘટના અંગે હવે મુંબઈ પાલિકાની ફરિયાદ બાદ પંતનગર પોલીસે અજ્ઞાત આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી દીધી છે.
મુંબઈ જેવાં મોટાં શહેરમાં બાંધકામ અને વાહનોની સંખ્યામાં વધારાને લીધે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં પ્રદૂષણને વધતાં અટકાવવા માટે મુંબઈ પાલિકા દ્વારા ઈસ્ટર્ન એક્સપ્રેસ વેના આસપાસ પેલ્ટોફોરમ, સુબાબુલમ, પીપળો અને ફોક્સટેલ પામ જેવાં પ્રજાતિનાં વૃક્ષો રોપવામાં આવ્યાં આવ્યાં, તેમ જ ઘાટકોપરમાં પણ આ જ રીતે વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. એન. વિભાગની ઓફિસ મારફત આ વૃક્ષોની સંભાળ લેવામાં આવે છે.
પરંતુ છેલ્લા ઘણાં સમયથી ઘાટકોપર વિસ્તારમાં પાલિકા દ્વારા રોપવામાં આવેલાં વૃક્ષો મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેથી પાણીના અભાવને લીધે આ વૃક્ષો સુકાઈ ગયા હશે એવો અંદાજ પાલિકાએ વ્યક્ત કર્યો હતો. જોકે વિસ્તારમાં 40-50 ઝાડ સુકાયેલી હાલતમાં મળી આવતા પાલિકા દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વૃક્ષો પર ઝેર પ્રયોગ થયો હોવાની માહિતી સામે આવી હતી.
આ ગંભીર ઘટના અંગે પાલિકા અધિકારીએ જણાવ્યું હતું કે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે નજીકના દરેક વૃક્ષોમાં પાંચથી છ છિદ્રો મળી આવ્યા હતા, જેથી વૃક્ષમાં ઝેર નાખવામાં આવ્યું છે એવું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પાલિકા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અજ્ઞાત લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તેમની તપાસ ચાલી રહી છે.