પીએમસી બૅન્ક સ્કૅમ: સિંધુદુર્ગમાં 1,807 એકર જમીન પર ઈડીની ટાંચ

મુંબઈ: પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ (પીએમસી) બૅન્ક સ્કૅમ પ્રકરણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) સિંધુદુર્ગ જિલ્લામાં 1,807 એકર જમીન પર ટાંચ મારી હતી. ટાંચ મારવામાં આવેલી જમીનની કિંમત 52.90 કરોડ રૂપિયા હોવાની માહિતી ઈડીએ આપી હતી. આ સ્કૅમના 82.30 કરોડ રૂપિયામાંથી 2010થી 2013 દરમિયાન આ જમીનો 39 ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી હતી.
રિઝર્વ બૅન્કે નીમેલા એડમિનિસ્ટ્રેટરે પીએમસી બૅન્કમાં કથિત કૌભાંડ થયાની ફરિયાદ આર્થિક ગુના શાખામાં નોંધાવી હતી. પીએમસી બૅન્કના તત્કાલીન ડિરેક્ટર જૉય થોમસના નિવેદનને આધારે લોન આપવામાં કથિત ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદને આધારે આર્થિક ગુના શાખાએ જૉય થોમસ, રાકેશ કુમાર વાધવાન, સારંગ વાધવાન અને અન્યો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ કેસને આધારે ઈડીએ તપાસ હાથ ધરી હતી.
આપણ વાંચો: ખીચડી કૌભાંડઃ ઠાકરે જૂથના નેતાની ઈડી દ્વારા આઠ કલાક સઘન પૂછપરછ
તપાસમાં 2010થી 2013 દરમિયાન સારંગ વાધવાન અને રાકેશ વાધવાને ગેરરીતિથી મેળવેલી રકમમાંથી 82.30 કરોડ રૂપિયા વિજયદુર્ગના 39 ખેડૂતોનાં બૅન્ક ખાતાંમાં જમા કરાવ્યા હતા. પછી સારંગ વાધવાને તેના કર્મચારીની મદદથી કમિશન અને અન્ય લાભોના બદલામાં ખેડૂતોની જમીન એચડીઆઈએલ ગ્રૂપ કંપનીના નામે હસ્તાંતરિત કરી હતી.
આ પ્રકરણે 17 ઑક્ટોબર, 2019ના રોજ મુખ્ય આરોપી રાકેશ વાધવાન અને તેના પુત્ર સારંગ વાધવાનની ઈડીએ ધરપકડ કરી હતી. આ પ્રકરણે અગાઉ આરોપનામું પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ઈડીએ 719 કરોડ રૂપિયાની મિલકત પર ટાંચ મારી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.