PMની ઓફર ઈલેક્શન પછી પણ આવી હતી: ગડકરી
મુંબઈ: દેશના આગામી વડાપ્રધાન બનવા માટે લોકસભા ચૂંટણી પહેલા વિરોધ પક્ષના એક વરિષ્ઠ નેતા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો એ વાત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે ફરી ઉખેળી હતી અને દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી થઈ ગયા પછી પણ તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
મુંબઈના એક કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે ‘મને (લોકસભા) ચૂંટણી પહેલા અને પછી ઓફર મળી હતી.’ જોકે, પોતે વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા નથી ધરાવતા એવો ખુલાસો ભાજપના પૂર્વ અધ્યક્ષે કર્યો હતો.
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે મેં તેમને સામે સવાલ કર્યો હતો કે ‘તમે શા માટે મને વડા પ્રધાન બનાવવા માંગો છો અને મારે વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) સાથે કેમ ન રહેવું જોઈએ?’
વડા પ્રધાન બનવું મારી મહત્વાકાંક્ષા નથી. હું કોઈ હરીફાઈમાં નથી. મેં મારો બાયોડેટા કોઈને આપ્યો નથી. હું મારું કામ કરતો રહું છું. હું જ્યાં છું તેનાથી ખુશ છું. હું પક્ષનો કાર્યકર છું અને આરએસએસનો સભ્ય છું. જો મને પ્રધાન નહીં બનાવવામાં આવે તો પણ કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના કામ કરવાનું ચાલુ રાખીશ.’