ભારે વરસાદને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પુણેની મુલાકાત રદ્દ
પુણે: ગઈ કાલે શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો (Heavy Rain in Pune) હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરીવળ્યા હતાં. શહેરમાં ભારે વરસાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ની પુણેની મુલાકાત રદ કરવામાં આવી છે. બુધવારે, પુણેમાં 131 મીમી વરસાદ નોંધાયો હતો, માત્ર ત્રણ કલાકમાં મોટા ભાગનો વરસાદ ખાબક્યો હતો. ગઈ કાલે વરસેલો વરસાદ છેલ્લા 86 વર્ષમાં પુણે માટે સપ્ટેમ્બરમાં 24 કલાકમાં થયેલો સૌથી વધુ વરસાદ છે.
બુધવારે સાંજે પુણે શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. IMDએ પુણે જિલ્લામાં ગુરુવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પુણે જિલ્લા પ્રશાસને પુણે શહેર તેમજ પિંપરી ચિંચવાડ વિસ્તારને આજે ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ પણ જાહેર કર્યો છે.
વડા પ્રધાન મોદી આજે સાંજે 5.35 કલાકે પુણે એરપોર્ટ પર આવવાના હતા, પરંતુ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તેમની મુલાકાત રદ કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદી પુણેમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવાના હતા. આ ઉપરાંત તેઓ રૂ. 20,900 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરવાના હતા.
વધુમાં, વડા પ્રહ્દન મોદી લગભગ રૂ. 2,950 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર પુણે મેટ્રો ફેઝ-1ના સ્વારગેટ-કાત્રજ એક્સ્ટેંશનનો શિલાન્યાસ કરવાના હતાં.