PM Modi Maharashtra Visit: આગામી બે દિવસ મુંબઈના અમુક વિસ્તારોમાં ભૂલથી પણ ના કરતાં આ હરકત નહીંતર…

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) લોકસભાની ચૂંટણી માટે પાર્ટીનો પ્રચાર કરવા બે દિવસ માટે મહારાષ્ટ્ર અને મુંબઈની મુલાકાતે આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા નાગરિકો માટે ખાસ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આ એડવાઈઝરી અનુસાર જ્યાં જ્યાં પીએમ નરેન્દ્ર મોદી જવાના છે કે એમની સભા યોજાવવાની છે ત્યાં ત્યાં ડ્રોન, બલૂન, પતંગ કે રિમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ એર ક્રાફ્ટ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે વિક્રોલી, કાંજુરમાર્ગ, પાર્કસાઈટ, ઘાટકોપર, પંતનગર, તિલકનગર, ચેમ્બુર, ચુનાભટ્ટી, બીકેસી, ખેરવાડી, વાકોલા, વિલેપાર્લે, સહાર, એરપોર્ટ, વાકોલા, બાંદ્રા, વર્લી, દાદર અને શિવાજી પાર્ક વિસ્તારમાં આ પ્રતિબંધો લાગુ રહેશે. આ આદેશ આગામી બે દિવસ સુધી એટલે કે 17મી મેની રાત સુધી અમલમાં રહેશે.
પીએમ મોદી (Prime Minister Narendra Modi) બપોરે 3.15 કલાકે દિંડોરીમાં હતા અને સાંજે 5.15 કલાકે કલ્યાણમાં સભાને સંબોધિત કરશે. ત્યાર બાદ સાંજે 6.45 કલાકે તેઓ ઉત્તર-પૂર્વ મુંબઈમાં રોડ શો કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17મી મે સુધી એટલે કે બે દિવસ સુધી મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદીના આ કાર્યક્રમને ધ્યાનમાં લઈને સ્પેશિયલ ટ્રાફિક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં કરશે મતદાન
મુંબઈ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી આ એડવાઈઝરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે. આ રોડ શોને કારણે કેટલાક સ્થળો પર અમુક સમય માટે રોડ બંધ કરવામાં આવ્યા છે, ડાઈવર્ઝન આપવામાં આવ્યા એની માહિતી આ એડવાઈઝરીમાં આપવામાં આવી છે. માહુલ-ઘાટકોપર રોડ મેઘરાજ જંક્શનથી આરબી કદમ સ્ટેશન સુધી બપોરે 2થી લઈને 10 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
સાંજે છ વાગ્યાથી મેટ્રો પણ થશે બંધ
આ ઉપરાંત પીએમ મોદીની આ મુલાકાતને ધ્યાનમાં લઈને જાગૃતિ નગર અને ઘાટકોપર વચ્ચે મેટ્રો સર્વિસ બંધ રહેશે. બુધવારે સાંજે છ વાગ્યાથી આગામી સૂચના મળે ત્યાં સુધી આ બંને સ્ટેશનો વચ્ચે મેટ્રો સર્વિસ સુરક્ષાના કારણોસર બંધ રાખવામાં આવશે. આ નવી વ્યવસ્થાને ધ્યાનમાં લઈને તેમનું ટ્રાવેલિંગ પ્લાન કરવાની ભલામણ પણ મેટ્રોના પ્રવક્તા દ્વારા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘાટકોપર-અંધેરી-વર્સોવા મેટ્રો પૂર્વ અને પશ્ચિમના પરાને જોડનારી મહત્ત્વની કડી છે અને દરરોજ ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ આ મેટ્રોમાં પ્રવાસ કરે છે.