વેરાના યોગદાનને આધારે ભંડોળની માગણી હલકી વિચારધારા: પિયુષ ગોયલ... | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વેરાના યોગદાનને આધારે ભંડોળની માગણી હલકી વિચારધારા: પિયુષ ગોયલ…

મુંબઈ: કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે કેટલાક રાજ્યો દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવતા વેરામાં યોગદાનને આધારે કેન્દ્રીય ભંડોળની ફાળવણી અંગેની માગણી કરવામાં આવી રહી છે તે અત્યંત કમનસીબ અને હલકી વિચારધારા છે.

Also read : Good News: કોસ્ટલ રોડ વાહનચાલકો માટે 24 કલાક ખૂલ્લો રહેશે, જાણો ક્યારથી મળશે સુવિધા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવા મતના છે કે દેશને સમૃદ્ધ બનાવવાનો છે. નોર્થ-ઈસ્ટ અને પૂર્વના આઠ રાજ્યો જેમ કે બિહાર, પશ્ર્ચિમ બંગાળ, ઓરિસા અને ઝારખંડનો વિકાસ થવો જોઈએ, એમ ગોયલે શનિવારે કહ્યું હતું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને સ્ટુડન્ટ્સ એક્સપિરિયન્સ ઈન ઈન્ટર-સ્ટેટ લિવિંગ (સેઈલ)ની પહેલ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકાત્મતા યાત્રા 2025ને સંબોધતાં તેમણે કહ્યું હતું કે છેલ્લા 11 વર્ષમાં મોદી સરકારનું મહાભારતના અર્જુનની જેમ લક્ષ્ય નોર્થ-ઈસ્ટ અને પૂર્વના રાજ્યોનો વિકાસ છે.

આ કમનસીબ છે કે કેટલાક રાજ્યો અને કેટલાક નેતાઓ… મારે કોઈ રાજકારણ કરવું નથી, પરંતુ મહારાષ્ટ્રના કેટલાક નેતાઓ એવું કહેતા હતા… અઢી વર્ષની અગાઉની સરકારના નેતાઓ એવું કહેતા હતા. તેઓ મુંબઈ અને મહારાષ્ટ્ર દ્વારા કેન્દ્ર સરકારને જે વેરાઓ આપવામાં આવે છે તેના પ્રમાણમાં કેન્દ્રીય ભંડોળ મળવું જોઈએ એમ કહેતા હતા, એમ ગોયલે કહ્યું હતું.

ઉત્તર મુંબઈના સંસદસભ્ય અગાઉની ઉદ્ધવ ઠાકરેની સરકારનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
દેશમાં એવા કેટલાક રાજ્યો છે, કર્ણાટક, તામિલનાડુ, તેલંગણા જેઓ એવું કહી રહ્યા છે કે તેમને વેરાના ફ્રમાણમાં ભંડોળ મળવું જોઈએ. આના કરતાં વધારે કોઈ હલકી વિચારધારા ન હોઈ શકે અને આના કરતાં વધુ કમનસીબ કશું ન હોઈ શકે, એમ તેમણે કહ્યું હતું.

હવે કોઈ ચિંતાનું કારણ નથી, કેમ કે અત્યારે મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની સમજદાર સરકાર છે, જે નોર્થ-ઈસ્ટ પ્રત્યે સંવેદનશીલ છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

Also read : ‘જો તમે અમને તોડવાનો પ્રયાસ કરશો, તો અમે તમારું માથું ફોડી નાખીશું’: ઉદ્ધવ ઠાકરે

કેન્દ્રની મોદી સરકાર છેલ્લા 11 (અગિયાર) વર્ષથી એક્ટ ઈસ્ટ અને લૂક ઈસ્ટ નીતિ અપનાવીને નોર્થ-ઈસ્ટને પ્રાધાન્ય આપી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button