‘પડોશીની ઈર્ષ્યા, માલિકનું ગૌરવ’: પીયૂષ ગોયલે વડા પ્રધાન મોદીના ભારત વિઝનને બિરદાવવા જાણીતી ટીવી જાહેરાતની પંચલાઇન યાદ કરી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

‘પડોશીની ઈર્ષ્યા, માલિકનું ગૌરવ’: પીયૂષ ગોયલે વડા પ્રધાન મોદીના ભારત વિઝનને બિરદાવવા જાણીતી ટીવી જાહેરાતની પંચલાઇન યાદ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બોલ્ડ આર્થિક અને વિકાસલક્ષી પહેલને સમાવિષ્ટ ભારતના વિઝનનું વર્ણન કરવા માટે પ્રતિષ્ઠિત ટેલિવિઝન બ્રાન્ડની પંચલાઇન ‘પડોશીની ઈર્ષ્યા, માલિકનું ગૌરવ’નો ઉપયોગ કર્યો હતો.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાને મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી ભારતને ગૌરવ સાથે ઊંચે લઈ જવા અને વૈશ્ર્વિક સ્તરે પ્રશંસનીય બનાવવા માટે કટિબદ્ધ છે, જેની દરેક દેશને ઈર્ષ્યા થશે.

આપણ વાંચો: Stockmarket Crashed: પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધીના આરોપો ભ્રામક પણ…

‘આપણે એક એવું રાષ્ટ્ર બનાવવા માંગીએ છીએ જેને બીજાઓ ઈર્ષ્યાથી જુએ અને આપણને ગર્વથી ભરી દે. શું તમને તે ટીવી જાહેરાત યાદ છે કે જેમાં ‘પડોશીની ઈર્ષ્યા, માલિકનું ગૌરવ’ ટેગલાઇન હતી? આ પ્રકારનું ભારત બનાવવા માટે વડા પ્રધાન મોદી પ્રતિબદ્ધ છે.

તેમના શાસને દેશના યુવાનો માટે સ્વ-રોજગાર અને ઉદ્યોગસાહસિકતાથી લઈને સ્ટાર્ટઅપ્સ અને વ્યવસાયિક સાહસો સુધીના ક્ષેત્રોમાં ઘણી તકો ખોલી છે,’ એમ ગોયલે જણાવ્યું હતું. મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા અથવા ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ ભારતને વિશ્ર્વ સાથે એકીકૃત કરવામાં મદદ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: દેશભક્તિનો ધર્મ સર્વોપરી તેથી પહલગામ જેવી ઘટનાઓ પરેશાન કરતી રહેશે: પીયૂષ ગોયલ

‘આપણા યુવાનો રાષ્ટ્રના અર્થતંત્ર સાથે વધુને વધુ જોડાયેલા છે. ભારત હવે વિશ્ર્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. આગામી અઢી વર્ષમાં, આપણે વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું. યુવાનો આ સિદ્ધિ પાછળનું પ્રેરક બળ હશે. આજે વડા પ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલો મુખ્ય સંદેશ આ જ છે,’ એમ મુંબઈ ઉત્તર લોકસભાના સાંસદે જણાવ્યું હતું.

વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જનતા નકારાત્મકતામાં ડૂબેલા અને રાષ્ટ્રીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નિષ્ફળ રહેલા પક્ષોને નકારી રહી છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં ‘શિવાજી મહારાજના કિલ્લાઓ’નો સમાવેશ થવા પર બોલતા, ગોયલે કહ્યું હતું કે તેનાથી વિશ્ર્વભરના લોકો આ સ્થળોની મુલાકાત લેશે, જેના પરિણામે પર્યટનને વેગ મળશે.

‘હું રાયગઢ અને લોહાગઢમાં હાઇકિંગ કરતો હતો. હવે, આજના યુવાનો પણ આ ઐતિહાસિક સ્થળો સાથે જોડાશે. છત્રપતિ શિવાજી મહારાજનું જીવન પ્રેરણાદાયક રહે છે અને આ પ્રેરણા યુવાનોની કારકિર્દીની સફરમાં પ્રતિબિંબિત થશે,’ એમ ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button