રિક્ષામાં બાળક સાથે શ્વાનને પૂરી આનંદમાણનારા શ્વાનના માલિકની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

રિક્ષામાં બાળક સાથે શ્વાનને પૂરી આનંદમાણનારા શ્વાનના માલિકની ધરપકડ

પિટ બુલ માસૂમ બાળકને કરડતો અને તેની પાછળ દોડતો હોવાનો વીડિયો વાયરલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રિક્ષામાં 11 વર્ષના માસૂમ બાળક સાથે ખતરનાક પિટ બુલ શ્વાનને પૂરી બાળકના ડરનો વિકૃત આણંદ માણનારા શ્વાનમાલિકની પોલીસે ધરપકડ કરી હતી.

રિક્ષામાં બાળકને કરડ્યા પછી શ્વાન રસ્તા પર તેની પાછળ દોડતો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આટલું ઘાતકીપણું દાખવનારા શ્વાનમાલિકને નોટિસ આપીને છોડી મૂકવાના પોલીસના પગલાની ટીકા કરવામાં આવી હતી.

આપણ વાંચો: જ્યાં શ્ર્વાનને આધારે માલિકને જજ કરાય છે!

આ પ્રકરણે બાળકના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે માનખુર્દ પોલીસે શુક્રવારના મળસકે આરોપી મોહમ્મદ સોહેલ હસન ખાન (43) વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના ગુરુવારની રાતે 10 વાગ્યાની આસપાસ માનખુર્દની મ્હાડા કોલોનીમાં બની હતી. રસ્તા પર પાર્ક રિક્ષામાં બાળક રમતો હતો ત્યારે આરોપી તેનો પિટ બુલ શ્વાન લઈને ત્યાં આવ્યો હતો. આરોપીએ મોજ માણવા બાળકને શ્વાન સાથે રિક્ષાના પાછળના ભાગમાં પૂર્યો હતો.

આપણ વાંચો: ચીનથી આયાત કરાયેલો 12 લાખનો શ્ર્વાન મરી જતાં કઝિનના ઘરમાં ચોરી કરી

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં શ્વાનથી બચવા બાળક સતત રડી રહ્યો છે અને શ્વાન તેને કરડવાનો પ્રયાસ કરતો હોવાનું નજરે પડે છે. શ્વાનનો માલિક રિક્ષાની સીટ પર બેસીને બાળકનું આક્રંદ સાંભળી હસતો હોવાનું વીડિયોમાં દેખાય છે. શ્વાનથી દૂર ભાગવા તરફડિયાં મારતા બાળકને શ્વાનમાલિક રોકવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન શ્વાન બાળકની હડપચી પર કરડ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

બાદમાં બાળક રિક્ષામાંથી બહાર નીકળીને ભાગી રહ્યો છે અને તેની પાછળ શ્વાન પર દોડતો હોવાનું વીડિયોમાં નજરે પડે છે. આ બાબતની જાણ બાળકના પિતાને થઈ હતી. માનખુર્દની ખાનગી હૉસ્પિટલમાં બાળકની સારવાર પછી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. વીડિયો બતાવી બાળકના પિતાએ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ પ્રકરણે પોલીસે શુક્રવારે ખાનની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને નોટિસ આપીને છોડી મૂકવામાં આવ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button