વિરોધ પ્રદર્શન કરનારા કર્મચારીઓના હુમલામાં સાત ઘવાયા: 10 સામે ગુનો | મુંબઈ સમાચાર

વિરોધ પ્રદર્શન કરનારા કર્મચારીઓના હુમલામાં સાત ઘવાયા: 10 સામે ગુનો

થાણે: ફાર્માસ્યુટિકલ કંપની બહાર વિરોધ પ્રદર્શન કરનારા કર્મચારીઓએ હુમલો કરતાં સાત જણ ઘવાયા હોવાની ઘટના થાણે જિલ્લાના અંબરનાથમાં બની હતી. પોલીસે 10 જણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની બપોરે 12.30 વાગ્યાની આસપાસ બની હતી. અંબરનાથમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆઈડીસી) વિસ્તારમાં આવેલી ફાર્મા કંપનીના કર્મચારીઓ કંપની બહાર દેખાવ કરી રહ્યા હતા. તે સમયે માણસોનું જૂથ કંપનીમાં જતું જોઈ કર્મચારીઓને શંકા ગઈ હતી.

આપણ વાંચો: મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકરો દૂર કરવાની માગણી માટે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ વિરોધ પ્રદર્શન કર્યું

કર્મચારીઓ વિરોધ પ્રદર્શન શા માટે કરી રહ્યા હતા તે અંગે કોઈ સ્પષ્ટતા એફઆઈઆરમાં કરાઈ નહોતી. આરોપી કર્મચારીઓને શંકા હતી કે તેમના બદલીમાં કંપનીએ બીજા કર્મચારીઓને બોલાવ્યા છે.

પરિણામે કર્મચારીઓએ તેમની સાથે વિવાદ કરી મારપીટ કરી હતી. જીવ બચાવવા માણસો ભાગવા લાગ્યા તો તેમનો પીછો કરવામાં આવ્યો. કંપનીમાં કામે જોડાયા તો જાનથી મારવાની ધમકી આપી બામ્બુથી તેમને ફટકારવામાં આવ્યા હતા.

શિવાજી નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલામાં ઘવાયેલા સાત જણને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ પ્રકરણે 10 કર્મચારી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(2), 191(2), 190, 118(1) અને 118(2) , 115(2) તેમ જ 352 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બુધવારની મોડી સાંજ સુધી આ કેસમાં કોઈની પણ ધરપકડ કરાઈ નહોતી. (પીટીઆઈ)

Back to top button