માર્વે ખાડી પરના પુલ તોડવાના કામ સ્થગિત માટે હાઇ કોર્ટમાં દાખલ કરાઈ અરજી

મુંબઈ: મલાડ-માલવણી સ્થિત એવરશાઇન નગરમાં માર્વે ખાડી પરના ૧૫ વર્ષ જૂના પુલને તોડી પાડવાનું કામ સ્થગિત કરવું જોઈએ. આ ઉપરાંત, મહાનગરપાલિકાને બ્રિજ રેમ્પનું પુનર્નિર્માણ કરવાનો આદેશ આપવામાં આવે, એવી માંગ કરતી એક જાહેર હિતની અરજી હાઇ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
પંદર દિવસ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશને આ રેમ્પ તોડી પાડ્યો હતો. આ વિસ્તારના એક બિઝનેસમેન મોહમ્મદ જમીલ મર્ચન્ટે ઉપરોક્ત માંગણી માટે હાઇ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. અરજદારે અરજીમાં આરોપ લગાવ્યો છે કે સ્થાનિક લોકોને પુલનો ઉપયોગ કરતા અટકાવવા માટે મહાનગરપાલિકાએ પહેલા પુલનો રેમ્પ તોડી નાખ્યો હતો અને હવે તે પુલ તોડી પાડવાની ધમકી આપી રહી છે.
આપણ વાંચો: ગુજરાત હાઇ કોર્ટે પૂર્વ સરપંચ સહિત ચાર અધિકારીઓ સામે FIR નોંધવાનો કેમ આપ્યો આદેશ? જાણો શું છે મામલો…
આ પુલની આસપાસ રહેતા ૨૦થી ૩૦ હજાર મધ્યમ આવક ધરાવતા રહેવાસીઓ આ પુલનો ઉપયોગ કરે છે. પુલને વૈકલ્પિક માર્ગ પૂરો પાડ્યા વિના રેમ્પ તોડી પાડવામાં આવ્યો હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ પણ આકારણી, માળખાકીય નિરીક્ષણ અને બાંધકામ સ્થિરતા અહેવાલ વિના પુલ તોડી પાડવાનો નિર્ણય લીધો હતો. ગુરુવારે મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે અને ન્યાયાધીશ ભારતી ડાંગરેની બેન્ચ સમક્ષ આ અરજી રજૂ કરવામાં આવી હતી. તેના પર ટૂંક સમયમાં વિગતવાર સુનાવણી થશે.