આમચી મુંબઈ

પૅંગ્વિનના નામનો વિવાદ: કાર્ટૂનના પાત્રો પરથી નામ આપ્યા હોવાની પ્રશાસનની સ્પષ્ટતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય (રાણીબાગ)માં રહેલા પૅંગ્વિનના નામ પરથી નવો વિવાદ જાગ્યો છે. ભાજપના કાર્યકર્તાઓએ રાણીબાગમાં મોર્ચો કાઢીને પૅંગ્વિનને આપવામાં આવેલા નામ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેની સામે પૅંગ્વિનના નામ કાર્ટૂનના પાત્ર પરથી આપવામાં આવ્યા હોવાનો ખુલાસો પ્રશાસને કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

રાણીબાગમાં પૅંગ્વિનની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે અને તેમને આપવામાં આવી રહેલા નામ સામે ભાજપે વાંધો નોંધાવ્યો છે. તેની સામે રાણીબાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પૅંગ્વિનના નામ કોઈ પણ ભાષા અથવા સાંસ્કૃતિની ધ્યાનમાં રાખીને નહીં પણ કાર્ટૂનના પાત્રના નામ પરથી રાખવામાં આવ્યા છે. નાના બાળકોમાં લોકપ્રિય રહેલા કાર્ટૂનના નામ પરથી પૅંગ્વિનના નામ વાપરવાને કારણે બાળકોને પૅંગ્વિન તરફ વધુ આકર્ષણ જાગે છે.

રાણીબાગમાં રહેલા પૅંગ્વિનના નામ મોલ્ડ, ડોનાલ્ડ, ડેસી, પોપૉય, ઓલિવ્હ, બબલ, ઓરિયો, બિંગો, નિમો, જેરી, ફ્લિપર, ઍલેક્સા, સિરી, ડોરા, કોકો અને સ્ટેલા રાખવામાં આવ્યા છે. આમાના મોટાભાગના નામ પ્રસિદ્ધ કાર્ટૂનના પાત્ર પરથી રાખવામાં આવ્યા છે. પ્રશાસનનો તેમાં કોઈ પણ રાજકીય કે ભાષાકીય હેતુ ન હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. તેમ જ રાણીબાગમાં રહેલા પૅંગ્વિનના નામ સહિતની માહિતી દિલ્લીમાં આપવામાં આવ્યા હોવાથી નામમાં હવે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવું શક્ય ન હોવાનું પણ અધિકારીને જણાવ્યું હતું.

પાલિકાએ ૨૦૧૬ની સાલમાં દક્ષિણ કોરિયાથી હબોલ્ટ પ્રજાતિના પૅંગ્વિન લાવવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button