ભાયખલા ઝૂમાં પેંગ્વિન બન્યા ‘મોંઘા’ મહેમાન: 5 વર્ષમાં ₹ 25 કરોડનો ખર્ચ!

મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનમાં રાખવામાં આવેલા પેંગ્વિનની જાળવણી માટે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૫.૮૩ કરોડ ખર્ચાયા છે. જોકે પ્રાણી સંગ્રહાલયની જાળવણી માટે કુલ ખર્ચ રૂ. ૧૦૫.૫૯ કરોડ થયો છે. આમ માત્ર પેંગ્વિનની જાળવણી માટે પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ કુલ જાળવણી ખર્ચના લગભગ એક ચતુર્થાંશ ખર્ચ કર્યો છે.
મુંબઈના વીરમાતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનમાં હમ્બોલ્ટ પેન્ગ્વિન નિઃશંકપણે સૌથી મોટું આકર્ષણ છે. જો કે, આ આકર્ષણ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ માટે ભારે ખર્ચાળ સાબિત થઇ રહ્યુ છે. અધિકારીઓ દર વર્ષે પેન્ગ્વિનની જાળવણી પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે.
આપણ વાંચો: રાણીબાગમાંના માછલીઘરનાં ટેન્ડરમાં ગડબડ:
પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટરની ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રાણી સંગ્રહાલયે છેલ્લા પાંચ વર્ષમાં પ્રાણી સંગ્રહાલયની જાળવણી પાછળ ૧૦૫.૫૯ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જેમાં અનેક પ્રકારના ખર્ચનો સમાવેશ થાય છે અને પેંગ્વિનની જાળવણી માટે ૨૫.૮૩ કરોડ રૂપિયાની નોંધપાત્ર રકમ ખર્ચવામાં આવી છે.
આ ઉપરાંત બગીચાઓના જાળવણી માટે ૩૧. ૨૦ કરોડ રૂપિયા, હાઉસકીપિંગ માટે ૨૭.૧૧ કરોડ રૂપિયા અને વ્યાપક સેવા જાળવણી કરાર માટે ૨૧.૪૮ કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ કાર્યો જેવી વિવિધ સુવિધાઓના જાળવણીનો સમાવેશ થાય છે.
જોકે, આ પક્ષીઓની ખર્ચાળ જાળવણી અને સંભાળને કારણે કોઈ ખરીદદાર આકર્ષાયા નથી, જેના કારણે વર્તમાન સુવિધામાં તેમના માટે જગ્યા ઘટતી જવાની ચિંતા વધી રહી છે.