ઝૂંપડપટ્ટીમાં સાર્વજનિક શૌયાલય બાંધવામાં ફરી વિલંબ કન્સલ્ટન્ટ સામે દંડાત્મક કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ૫૫૯ સ્થળોએ સાર્વજનિક શૌચાલયમાં ૧૪,૧૬૬ સીટ બાંધવાનું કામ ચાલુ કર્યું છે. જોકે પશ્ચિમ ઉપનગરમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (પીએમસી) છેલ્લા બે મહિનાથી ડિઝાઈન સબમીટ કરવામાં નિષ્ફળ ગયા છે. તેથી ગંભીર દખલ લઈને પાલિકા પ્રશાસનને બે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અગાઉ શહેરમાં જગ્યાને અભાવે શૌચાલય બાંધવાનો પ્રોજેક્ટ એક વર્ષ સુધી અટવાઈ પડ્યો હતો. પાલિકા પ્રશાસન કૉન્ટ્રેક્ટરોને શૌચાલયના બાંધકામમાં વિલંબ બદલ તેમની સામે આકરાં પગલાં લેવાની ચેતવણી પણ આપી ચૂકી છે.
મુંબઈ મહાનગરપાલિકાએ ઝૂંપડપટ્ટી સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ ૨૦૨૩-૨૪માં ૧૪,૧૬૬ શૌચાલય બેઠકો (જે લોટ-૧૨ તરીકે ઓળખાય છે) બાંધવાની યોજના જાહેર કરી હતી. જોકે પ્રશાસન શૌચાલય બાંધવા માટે જગ્યા શોધી શકી ન હોવાથી બાંધકામમાં વિલંબ થયો હતો. છેવટે પાલિકાએ એક દક્ષિણ મુંબઈમાં, એક પૂર્વ ઉપનગરમાં અને બે પશ્ચિમ ઉપનગરમાં કન્સલ્ટન્ટની નિમણૂક કરી હતી.
એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ જણાવ્યું હતું કે પશ્ચિમ ઉપનગરમાં નીમવામાં આવેલા એક કન્સલ્ટન્ટ હજી સુધી પોતાના વિસ્તારોમાં શૌચાલયની ડિઝાઈન, ડ્રોઈંગ અને અંદાજિત ખર્ચ જેવી માહિતી પ્રશાસનને સબમીટ કરી નથી. તેથી દંડરૂપે તેને એક લાખ રૂપિયાનો દંડ ફટાકરવામાં આવ્યો છે.
પાલિકાના અન્ય અધિકારીના જણાવ્યા મુજબ કન્સલ્ટન્ટ દંડ ફટાકાર્યા બાદ તેણે ડિઝાઈન સબમીટ કરવાનું ચાલુ કરી દીધું છે. ઉપરથી મળેલા આદેશ મુજબ સમયસર ડિઝાઈન સબમીટ નહીં કરનારાને પ્રતિ દિવસ ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવવાનો છે. ડિઝાઈન ફાઈનલ કર્યા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવશે અને જો કૉન્ટ્રેક્ટર તેમનું કામ ચાલુ કરવામાં નિષ્ફળ ગયા તો તેમને પણ દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડશે.