પાયધુની પોલીસ સ્ટેશનની બહાર સબ-ઇન્સ્પેક્ટર પર હુમલો: ત્રણ સામે ગુનો

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં પાયધુની પોલીસ સ્ટેશનની બહાર જાહેરમાં ગાળો ભાંડીને ધિંગાણું કરવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરવા માટે વચ્ચે પડેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પર હુમલો કરવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરાયો હતો. આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓની ઓળખ અજીઝુલ સિરાજુલ શેખ, નૂરઅલી મેહરાવલી શેખ અને સૈફુદ્દીન શાહીદ શેખ તરીકે થઇ હતી.
પાયધુની પોલીસ સ્ટેશનમાં કાર્યરત સબ-ઇન્સ્પેક્ટર ઇરફાન મન્સૂર સૈયદે આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ સબ-ઇન્સ્પેક્ટર ઇરફાન સૈયદ બુધવારે નાઇડ ડ્યૂટી પર હતો ત્યારે રાતે 10.45 વાગ્યે પોલીસ સ્ટેશનની બહાર ત્રણ આરોપી જોરજોરથી ગાળો ભાંડતા અને ધિંગાણું કરતાં નજરે પડ્યા હતા.
આ પણ વાંચો: ડ્રગ્સ કેસના આરોપીને મદદ કરવા તેના ભાઇ પાસે માગી લાંચ: સબ-ઇન્સ્પેક્ટર ઝડપાયો
આથી ઇરફાન સૈયદ બહાર આવ્યો હતો અને ત્રણેય આરોપીને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપીઓએ સૈયદને ગાળો ભાંડી હતી અને તેની સાથે ધક્કામુક્કી કરી હતી. આરોપીઓએ બાદમાં સૈયદ પર હુમલો કર્યો હતો અને તેને ધમકી આપી હતી. એેક આરોપી બાદમાં મોબાઇલથી વીડિયો ઉતારવા લાગ્યો હતો. આ ઘટના બાદ સૈયદે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.