પવારનો પાવર વિધાનસભાની ચૂંટણીમાં વધશે? શરદ પવારે વિધાનસભા ચૂંટણીને લઇને કહી આ મોટી વાત…
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં ભલે શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કોંગ્રેસ) સાથી પક્ષ કોંગ્રેસ અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે) કરતાં ઓછી બઠકો પરથી ચૂંટણી લડી હોય, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પરિસ્થિતિ કંઇક અલગ હશે, તેવું નિવેદન શરદ પવારે આપ્યું છે. એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીમાં મહારાષ્ટ્ર વિધાસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઇને મોટા ફેરફાર જોવા મળશે તે સ્પષ્ટ થઇ ગયું છે.
શરદ પવારે શુક્રવારે પુણે શહેર અને પુણએ ગ્રામીણ વિસ્તારમાં પક્ષના શ્રેષ્ઠીઓ અને કાર્યકર્તાઓ સાથે બે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચૂંટાયેલા સાંસદો અને વિધાનસભ્યો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હાજર રહેનારા એનસીપી(શરદચંદ્ર પવાર)ના પુણે અધ્યક્ષ પ્રશાંત જગતાપે જણાવ્યું હતું કે શરદ પવારે બેઠકમાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં અમારો પક્ષ ઓછી બેઠકો પરથી લડ્યો હતો અને તેનું કારણ શિવસેના(ઉદ્ધવ ઠાકરે) અને કોંગ્રેસ સાથેનું જોડાણ અકબંધ રહે તે હતું.
એમણે સંકેત આપ્યો છે કે વિધાનસભાની ચૂંટણીમાં પરિસ્થિતિ કંઇક જુદી હશે. આ ઉપરાંત શરદ પવારે પુણે, બારામતી, માવળ અને શિરુર મતવિસ્તારનું વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિરીક્ષણ પણ કર્યું હતું.
આ પણ વાંચો: Sataraની બેઠક કૉંગ્રેસને આપશે Sharad Pawar? Congressના આ દિગ્ગજ નેતાએ શું કહ્યું
શરદ પવારે આ બેઠકો દરિમયાન સાંસદો અને વિધાનસભ્યોને આગામી વિધાનસભા ચૂંટણી માટે ખડેપગે તૈયાર રહેવાનું પણ જણાવ્યું હોવાનું પક્ષના એક પદાધિકારીએ જણાવ્યું હતું. જોકે, હજી સુધી શરદ પવારનો પક્ષ કેટલી બેઠકો પરથી વિધાનસભાની ચૂંટણી લડશે તે નક્કી કરવામાં ન આવ્યું હોવાનું એનસીપી(શરદચંદ્ર પવાર)ના મહારષ્ટ્ર અધ્યક્ષ જયંત પાટીલે જણાવ્યું હતું. મહાવિકાસ આઘાડી વચ્ચે બેઠકો અંગે ચર્ચા થાય ત્યારે કેટલી બેઠકોની માગણી કરાશે તે હજી સુધી સ્પષ્ટ ન હોવાનું પાટીલે કહ્યું હતું.
આ સિવાય શરદ પવારનો ગઢ મનાતી બારામતી વિધાનસભા બેઠક પરથી કોઇ ચૂંટણી લડશે એ અંગે શરદ પવાર પોતે ફેંસલો લેશે, તેમ પાટીલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બારામતી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.
મહાવિકાસ આઘાડીમાં મોટો ભાઇ કોણ છે અને નાનો ભાઇ કોણ છે એવા સવાલનો જવાબ આપતા શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીમાં મોટો અને નાનો ભાઇ જેવી કોઇ વસ્તુ જ નથી. મહાવિકાસ આઘાડીમાં બધા જ એકસમાન છે.
લોકસભાની ચૂંટણી બાદ અજિત પવાર સાથે જોડાઇ ગયેલા અનેક વિધાનસભ્યો અસમંજસમાં હતા અને તેમણે જયંત પાટીલ તેમ જ અન્ય નેતાઓનો સંપર્ક કર્યો હોવાનું પણ દેશમુખે જણાવ્યું હતું. એટલે કે અજિત પવાર સાથે જોડાયેલા વિધાનસભ્યો ફરી પાછા શરદ પવાર સાથે આવવા માગતા હોવાનો સંકેત આપતા દેશમુખે કહ્યું હતું કે તે વિધાનસભ્યો સાથે શું કરવું તે ભવિષ્યમાં નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શરદ પવાર જૂથના 10 ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડ્યા હતા જેમાંથી આઠ વિજયી થયા હતા જ્યારે અજિત પવાર જૂથે ચાર બેઠકો પર પોતાના ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા હતા, જેમાંથી ફક્ત એક ઉમેદવારને જીત મળી હતી.