પવાર પાવર: મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક પવારનો થશે ઉમેરો
મુંબઈ: મહારાષ્ટ્ર્રના રાજકારણમાં પવાર કુટુંબનું વર્ચસ્વ અનેક દાયકાઓથી રહ્યું છે. ભારતીય રાજકારણના દિગ્ગજ નેતા શરદ પવારથી માંડીને સુપ્રિયા સુળે, અજિત પવાર, રોહિત પવાર અને યુવા પાર્થ પવાર આ નામો મહારાષ્ટ્રના રાજકારણમાં બધા જાણે જ છે. પણ હવે આ નામોમાં વધુ એક પવારનું નામ જોડાવાનું છે અને તે નામ છે યુગેન્દ્ર પવારનું.
એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના બે ફાંટા પડ્યા બાદ શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ બને સામ સામે છે. હવે પવાર કુટુંબમાં પણ અનેક જણ રાજકારણમાં ન હોવા છતાં સામાજિક વગ ધરાવે છે, અને તેમાંના એક છે યુગેન્દ્ર પવાર. જોકે, હવે તે પણ રાજકારણમાં પગલા માંડે તેવી શક્યતા છે.
આગામી ચૂંટણીમાં યુગેન્દ્ર પવાર શરદ પવાર જૂથને પોતાનો ટેકો આપે એવી શક્યતા છે. યુગેન્દ્ર પવાર અજિત પવારના ભત્રીજા છે એટલે કે અજિત પવારના ભાઇ શ્રીનિવાસ પવારના પુત્ર છે. તે વિદ્યા પ્રતિષ્ઠા સંસ્થાન નામની સંસ્થાના કોષાધ્યક્ષ છે અને બારામતી પહેલવાન સંઘનું સંચાલન કરે છે.
તે ચૂંટણીમાં શરદ પવારના પુત્રી તેમ જ સાંસદ સુપ્રિયા સુળેને પોતાનું સમર્થન આપે અને તેમની માટે પ્રચાર કરે તેવા સંકેત છે. એટલે કે આગામી ચૂંટણીમાં મહારાષ્ટ્રના રાજકારણમાં પવાર કુટુંબમાંથી વધુ એક સભ્યની રાજકારણમાં એન્ટ્રી થઇ શકે.
યુગેન્દ્ર પવારે બુધવારે બારામતીમાં આવેલા સુપ્રિયા સુળેના પ્રચાર કાર્યાલયની મુલાકાત લઇ તેમના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. એટલે હવે તે રાજકારણમાં સક્રિય રીતે ભાગ લેવાનું શરૂ કરે તેવી ચર્ચા છે.
બારામતીમાં સુપ્રિયા સુળેનું વર્ચસ્વ છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં અજિત પવાર પોતાની પત્ની સુનેત્રાને બારામતી બેઠક ઉપરથી ઉમેદવાર બનાવી ચૂંટણીમાં ઉતારી શકે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.