CM બન્યા પછી ઉદ્ધવ ઠાકરે ભાજપમાં જવા ઈચ્છતા હોવાનો પવાર જૂથના નેતાનો દાવો
મુંબઈઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ની પાંચમા તબક્કાનું મતદાન 20મી તારીખના હાથ ધરવામાં આવશે, જેમાં મુંબઈ સહિત ઉપનગરની બેઠકનો સમાવેશ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) વિરુદ્ધ એકનાથ શિંદે જૂથ (એટલે શિવસેના વિરુદ્ધ શિવસેના) છે, જેમાં એનસીપીનું પણ વિભાજન થયું છે ત્યારે અજિત પવાર જૂથના નેતા અને સાંસદ સુનીલ તટકરેએ તત્કાલીન સીએમ ઉદ્ધવ ઠાકરે માટે મોટો દાવો કર્યો છે.
અજિત પવાર જૂથના નેતા સુનીલ તટકરેએ એક કાર્યક્રમમાં અનેક મુદ્દા અંગે વાતચીત કરી હતી. મહારાષ્ટ્રમાં રાયગઢની બેઠક પરથી અજિત પવાર જૂથે એનસીપી તરફથી સુનીલ તટકરેને ઉમેદવાર બનાવ્યા છે, જ્યાં તેમની ટક્કર શિવસેના (યુબીટી)ના ઉમેદવાર અનંત ગીતે સામે છે ત્યારે આજે એક કાર્યક્રમમાં તટકરેએ સૌથી મોટો દાવો કરતા કહ્યું હતું કે મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ગઠન પછી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવ્યા પછી પણ તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવવા ઈચ્છતા હતા.
આપણ વાંચો: મહારાષ્ટ્રની ભાખરી ખાઇને ગુજરાતની ચાકરી કેમ?: શરદ પવાર જૂથના સાંસદે ગુજરાતનો મુદ્દો ઉઠાવ્યો
2021માં વિકાસલક્ષી કાર્યોને લઈ ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને અશોક ચવ્હાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પછી ઉદ્ધવ ઠાકરે ભાજપમાં જોડાવવા ઈચ્છતા હતા. સુનીલ તટકરેએ અગાઉના ઘટનાક્રમનું વર્ણન કરતા કહ્યું હતું કે 2021માં ઉદ્ધવ ઠાકરે જે સમયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા, અજિત પવાર અને અશોક ચવ્હાણે વિકાસ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવા માટે વડા પ્રધાન મોદીને મળવા ગયા હતા.
ત્યાંથી પરત આવ્યા પછી સંજય રાઉતે તટકરેને અનેક વખત ફોન કર્યો હતો અને અજિત પવારને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની પહેલી મુલાકાત મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં થઈ હતી, જ્યાં અજિત પવાર હાજર રહ્યા નહોતા. ત્યાર બાદ બીજી વખત તટકરે અજિત પવારને બેઠકમાં લાવ્યા તો ત્યાં એકનાથ શિંદે, મિલિંદ નાર્વેકર, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત પણ ઉપસ્થિત હતા.