પવઈની સોસાયટીના સેક્રેટરી પર હુમલો: એનસીપીના નેતા સહિત ત્રણની ધરપકડ

મુંબઈ: જૂના વૉચમૅનને કાઢી મૂકવાને મામલે થયેલા વિવાદમાં પવઈની હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી અને અન્ય સભ્યો સાથે કથિત મારપીટ કરવા પ્રકરણે પોલીસે એનસીપી (એસપી)ના નેતા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.
પવઈ પોલીસના જણાવ્યા મુજબ પવઈના હિરાનંદાની ગાર્ડન્સ ખાતે ગયા સપ્તાહે બનેલી ઘટના પ્રકરણે એનસીપી (એસપી)ના નેતા નીતિન દેશમુખ તેમ જ અન્ય પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર 27 નવેમ્બરે હાઉસિંગ સોસાયટીનો સેક્રેટરી એવો ફરિયાદી નીલેશ મયેકર કૉમ્પ્લેક્સના ગેટ પાસે કમિટીના સભ્યો સોહન શેટ્ટી અને મલ્લેશ પૂજારી સાથે ચર્ચા કરતો હતો ત્યારે દેશમુખ ત્યાં આવ્યો હતો. દેશમુખે જૂના વૉચમૅનને કાઢી મૂકવા બદલ સવાલ કર્યા હતા.
આ મુદ્દે ઉગ્ર દલીલો થતાં દેશમુખે પાંચથી છ જણને ઘટનાસ્થળે બોલાવ્યા હતા અને મયેકરની મારપીટ કરવા માંડી હતી. તે સમયે શેટ્ટી, પૂજારી અને અન્ય સભ્યોએ મધ્યસ્થી કરતાં તેમના પર પણ હુમલાનો પ્રયાસ કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: કલ્યાણ જેલમાં આરોપીનો જેલ કર્મચારી પર પથ્થરથી હુમલો
હુમલા પ્રકરણે પોલીસનો સંપર્ક સાધ્યો તો ખોટા કેસમાં ત્રણેયને ફસાવી દેવાની ધમકી પણ આરોપીએ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115, 118, 189 અને 333 હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસને આધારે ત્રણની ધરપકડ કરાઈ હતી. કોર્ટે તેમને અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં વધુ ત્રણ આરોપીની તપાસ ચાલી રહી છે.
દેશમુખ એનસીપી (એસપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડનો નિકટવર્તી માનવામાં આવે છે અને તાજેતરમાં વિધાન ભવન ખાતે થયેલી ઝપાઝપી પ્રકરણે પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.
(પીટીઆઈ)



