કલ્યાણમાં શ્રીકાંત શિંદેની જીત માટે મોકળુ મેદાન?
શિવસેના (યુબીટી) દ્વારા નબળો ઉમેદવાર આપવામાં આવ્યો: લડાઈ એકપક્ષી થઈ જવાની સંભાવના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે અત્યંત પ્રતિષ્ઠાની બની રહેલી કલ્યાણ લોકસભાની બેઠક પર કેવો જંગ જામે છે તેની ઉત્કંઠા બધાને લાગી છે ત્યારે શિવસેના (યુબીટી) દ્વારા કલ્યાણ બેઠક પરથી નબળો ઉમેદવાર આપવામાં આવતાં આ બેઠક પર શ્રીકાંત શિંદે એકપક્ષી જીતી જાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
શ્રીકાંત શિંદે સામે પાર્ટીના દિગ્ગજ નેતાઓએ લડવા માટે સાફ નનૈયો ભણી દીધા બાદ ઉદ્ધવ ઠાકરેએ મનસેમાંથી આયાતી મહિલા ઉમેદવારને આ બેઠક પરથી ઉમેદવારી આપી છે.
ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકસભાની ચૂંટણી માટે વધુ ચાર ઉમેદવારોની જાહેરાત બુધવારે કરવામાં આવી અને તેમાં કલ્યાણ બેઠક ઉપરથી વૈશાલી દરેકર-રાણેને ઉમેદવારી આપી છે. જોકે, એકનાથ શિંદેના ગઢ થાણે જિલ્લામાં આવેલી કલ્યાણ બેઠક પર શ્રીકાંત શિંદેનો દબદબો માનવામાં આવે છે ત્યારે તેની સામે વૈશાલી દરેકર-રાણે જેવા નવોદિત ઉમેદવાર ચૂંટણી જીતે તેવી શક્યતા અત્યંત ઓછી હોવાનું રાજકીય વિશ્ર્લેષકો માને છે.
વૈશાલી દરેકર-રાણે પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)માં હતા અને હાલમાં જ તેઓ શિવસેના (યુબીટી)માં જોડાયા હતા. જોકે, તે શ્રીકાંત શિંદે સામે પ્રબળ હરિફ તરીકે ઉભરે તેવી ઓછી સંભાવના હોવાનું કહેવાઇ રહ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ શિવસેનાના ત્રણ મોટા નેતાઓએ શ્રીકાંત શિંદે સામે ચૂંટણીના જંગમાં ઉતરવા માટે નનૈયો ભણી દીધો હતો. ઉદ્ધવ ઠાકરેએ કલ્યાણ બેઠક પરથી સૌથી પહેલાં સુષ્મા અંધારેને ઉમેદવારી આપવાનું નક્કી કર્યું હતું, તેમણે ઈનકાર કર્યા બાદ પરિવારના સભ્ય વરુણ સરદેસાઇને કલ્યાણની બેઠક ઓફર કરવામાં આવી છે.
બંનેએ આ બેઠક પરથી લડવાનો ઈનકાર કરી દીધા બાદ એકનાથ શિંદેના ગુરુ આનંદ દિઘેના પુત્ર કેદાર દિઘેને કલ્યાણ બેઠક પરથી લડવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા બે-એક દિવસ સુધી તેમનું નામ ફાઈનલ ગણવામાં આવતું હતું, જોકે તેમણે પણ શ્રીકાંત શિંદે સામે ચૂંટણી લડવાની તૈયારી ન દાખવતાં આખરે આયાતી મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યાનું કહેવાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે કલ્યાણ બેઠકમાં મનસેનો એક સમયે સારો એવો પ્રભાવ હતો અને આયાતી ઉમેદવાર આ પ્રભાવનો ઉપયોગ કરી શકશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, પરંતુ અત્યારે ભાજપ-શિવસેના (શિંદે જૂથ)ની સાથે મનસે આવી ગઈ હોવાથી આ ગણતરી પણ ખોટી પડે એવી શક્યતા છે.