મહાલક્ષ્મી રેસકોર્સ પર થીમ પાર્ક બનાવવાનો માર્ગ મોકળો પણ એનું મહત્ત્વ જાણી લો…
મુંબઈઃ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સના રિડેવલપમેન્ટને લઈને મહારાષ્ટ્ર સરકાર અને વિરોધી પક્ષ વચ્ચે રાજકીય વિવાદ સર્જાયો હતો. રેસકોર્સની જમીન પર થીમ પાર્ક બનાવવાનો પ્રસ્તાવ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, પણ તમને ખબર છે કે મહાલક્ષ્મી રેસ-કોર્સ મુંબઈમાંનું એક અત્યંત મહત્ત્વનું સ્થાન શા માટે ગણાય છે અને આ રેસ કોર્સને લઈને રાજ્યમાં શું વિવાદ સર્જાયો છે? મુંબઈના મહાલક્ષ્મી રેસ-કોર્સમાં 140 વર્ષ પહેલા ઘોડાની રેસની પરંપરા શરૂ કરવામાં આવી હતી. જોકે હવે તે હંમેશા માટે બંધ થઈ શકે છે, કારણકે રેસ-કોર્સના મેનેજમેન્ટ રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ (આરડબલ્યુઆઇટીસી)ના 700માંથી 540 સભ્યોએ રેસ કોર્સની જમીન પર થીમ પાર્ક બનાવવા માટે પોતાનો મત આપ્યો છે.
આરડબલ્યુઆઇટીસી ક્લબની જમીનની 19 વર્ષની લીઝ 2013માં સમાપ્ત થઈ ગઈ છે. આ લીઝ સમાપ્ત થવાથી રેસકોર્સની જમીન પર એક થીમ પાર્ક બનાવી રેસકોર્સની બીજી જગ્યાએ ખસેડવાની યોજના મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી હતી. આ યોજનાનો આરડબલ્યુઆઇટીસી અને અનેક રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ કર્યો હતો.
મુંબઈના ઐતિહાસિક રેસકોર્સમાં બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ(II) અને સાઉદી અરબના રાજા જેવા અનેક વિદેશી નેતાઓએ પણ મુલાકાત લીધી હતી. ભારતમાં ક્રિકેટની જેમ ઘોડાની રેસ પણ બ્રિટિશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. વર્ષ 1777માં ભારતમાં સૌપ્રથમ રેસ-કોર્સ ચેન્નઈના ગિંડીમાં શરૂ કરવામાં આવ્યું હતું.
વર્ષ 1802માં ચાર બ્રિટિશ અધિકારીઓ દ્વારા મુંબઈમાં ટર્ફ ક્લબ બનાવી ઘોડાની રેસ માટે ભાયખલાની પસંદગી કરવામાં આવી હતી. બોમ્બે ડાઇંગ ટેક્સ્ટાઈલ કંપનીના વડાએ રેસકોર્સને ભાયખલાથી મહાલક્ષ્મીમાં 225 એકરની જમીન પર ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પણ અહીંની જમીન ભેજવાળી હતી. વાડિયા અરબ સાગર નજીક આવેલા આ વિસ્તારને એક શો-પીસ બનાવવા માગતા હતા, જેથી તેમણે મહાલક્ષ્મી રેસકોર્સ બનાવવા માટે 60 લાખ રૂપિયા વગર કોઈ વ્યાજ વગર આપ્યા હતા ત્યાર બાદ 1883માં રેસકોર્સનું કામ પૂર્ણ થયું હતું.
1935ના રાજા કિંગ જોર્જ-પાંચમા દ્વારા ક્લબના નામમાં રોયલ જોડવામાં આવ્યું અને તે બાદ ક્લબને રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ નામ આપવામાં આવ્યું હતું. આઝાદી પછી પણ આ ક્લબને રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ નામ રાખ્યું હતું, જે ક્લબનું ઐતિહાસિક મહત્ત્વ સૂચવે છે. 1943માં પહેલી વખત ડર્બી એટલે કે ઘોડાની રેસનું આયોજન કર્યું અને રેસમાં બરોડાના રાજાનો ઘોડો જીત્યો હતો. આરડબલ્યુઆઇટીસીને 1934માં 30 વર્ષની લીઝ પર આપ્યો હતો ત્યાર બાદ 1964માં આ કોન્ટ્રેકને બીજા 30 વર્ષ માટે રિન્યૂ કર્યો હતો તેમ જ આઝાદી પછી 1994માં 19 વર્ષ માટે લીઝ આપ્યા પછી એ 2013માં પૂરી થઈ હતી અને હવે તે મામલે વિવાદ સર્જાયો છે.
મુંબઈમાં ખૂબ જ ઓછા જંગલ ક્ષેત્રો આવેલા છે, તેમાંથી એક મહાલક્ષ્મી રેસ-કોર્સ પણ છે. પાલિકાના અહેવાલ અનુસાર રેસકોર્સની આસપાસના વિસ્તારોમાં પ્રોપર્ટીનો ભાવ 60 હજાર રૂપિયા પર ચોરસ ફૂટે પહોંચ્યો છે. પાલિકા પાસે પણ આ રેસકોર્સની જમીનનો એક તૃતિયાંશ ભાગ છે અને બાકીનો ભાગ મહારાષ્ટ્ર સરકારનો છે.
2004થી જ રેસકોર્સની જમીનને લઈને વિવાદ સર્જાયો છે. આરડબલ્યુઆઇટીસીની દ્વારા આ જમીન પર એક ફર્મ, પેગાસસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એક ગોલ્ફ કોર્સ, હોટેલ અને એક મોટું કન્વેશન બનાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા હતા. જેથી હવે આ રેસ-કોર્સને લઈને શું નિર્ણય આવે છે તે મુંબઈગરાઓ માટે મહત્ત્વનો હશે.