આમચી મુંબઈ

પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બની રહેલા પતિની હત્યા: પત્ની-પ્રેમીની ધરપકડ

મુંબઈ: પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બની રહેલા પતિની પત્નીએ પ્રેમી સાથે મળી હત્યા કરી હોવાની ઘટના એન્ટોપ હિલ વિસ્તારમાં બની હતી. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને પત્ની અને પ્રેમીની ધરપકડ કરી હતી.

એન્ટોપ હિલ વિસ્તારના રાજીવ ગાંધી નગરમાં ન્યૂ ટ્રાન્ઝિટ કેમ્પ ખાતે રહેતા ઇસ્માઇલ અલી શેખ (37)ની હત્યાના કેસમાં પોલીસે તેની પત્ની સુમય્યા (25) અને તેના પ્રેમી સકલેન ગોમલ શેખ (30)ની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: માતા પર હુમલો કરવા જઇ રહેલા પિતાની પુત્રએ કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા: મૃતદેહ સળગાવ્યો

ઇસ્માઇલ શેખના પહેલા માળે આવેલા ઘરની બહાર રહેવાસીઓને લોહીના ડાઘ નજરે પડ્યા હતા, જેને પગલે તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે ઘરમાં પ્રવેશીને તપાસ કરતાં ઇસ્માઇલનો મૃતદેહ મળી આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ઇસ્માઇલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાયા બાદ પોલીસે તેની પત્નીની પૂછપરછ કરી હતી. જોકે પોતાનું નિવેદન બદલી રહી હોવાથી પોલીસને તેના પર શંકા ગઇ હતી.

દરમિયાન પોલીસની આકરી પૂછપરછમાં સુમય્યા ભાંગી પડી હતી અને સકલેન સાથે મળીને પતિ ઇસ્માઇલની હત્યા કરી હોવાની તેણે કબૂલાત કરી હતી. પોલીસે ત્યાર બાદ સકલેનને પણ પકડી પાડ્યો હતો. પ્રેમસંબંધમાં ઇસ્માઇલ આડખીલીરૂપ બની રહ્યો હોવાથી તેની મોડી રાતે તેની હત્યા કરાઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button