દર્દીઓના રિપોર્ટમાંથી બની પેપર પ્લેટ્સ? મુંબઈની હોસ્પિટલના 6 કર્મચારીઓને નોટિસ
મુંબઈની એક હોસ્પિટલની કથિત ગંભીર બેદરકારી સામે આવી છે, એક અહેવાલ મુજબ કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હોસ્પિટલના દર્દીઓના રિપોર્ટ પેપરમાંથી બનેલી પ્લેટ્સનો વીડિયો વાયરલ થયા બાદ છ કર્મચારીઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. અધિકારીએ શનિવારે કહ્યું કે વીડિયોની જાણ થયા પછી, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.
અહેવાલ મુજબ ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકરે હોસ્પિટલો, દર્દીઓ અને તબીબી પ્રક્રિયાઓના નામ સાથે પેપર પ્લેટોનો વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર આ મુદ્દાને ઉઠાવ્યો હતો. તેણે હોસ્પિટલ પ્રશાસન પર “ઘોર બેદરકારી” નો આરોપ મૂક્યો હતો.
જવાબમાં, હોસ્પિટલે સ્પષ્ટતા કરી હતી કે આ પ્લેટ્સ દર્દીના રિપોર્ટ પેપરમાંથી નથી બનાવવામાં આવી નથી. હોસ્પિટલે જણાવ્યું કે આ દર્દીના રિપોર્ટ્સ નથી, આ સીટી સ્કેનનાં જૂના ફોલ્ડર્સ છે, જે રિયુઝ માટે સ્ક્રેપ ડીલરોને આપવામાં આવ્યાં હતાં. ભૂલ માત્ર એ હતી કે આ સ્ક્રેપ પેપરોને આપતા પહેલા – તેને ફાડવામાં આવ્યા ન હતા. છ કર્મચારીઓને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે.
BMCએ ઘટનાની તપાસ માટે ડેપ્યુટી કમિશનર (પબ્લિક હેલ્થ)ના નેતૃત્વમાં એક સભ્યની સમિતિની રચના કરી છે. મ્યુનિસિપલ પ્રશાસને હોસ્પિટલના ડીન પાસેથી પણ ખુલાસો માંગ્યો છે.
BMCના નિવેદન અનુસાર, દર્દીઓના સીટી સ્કેન, એમઆરઆઈ અને એક્સ-રે રિપોર્ટ્સના જૂના ફોલ્ડરો સ્ક્રેપ વેન્ડરને આપવામાં આવે છે. જો કે, એ પહેલાં પ્રશ્નમાં રહેલા ફોલ્ડરને ફાડવામાં આવ્યું ન હતું.