મધ્ય રેલવેના પ્રવાસીઓ ‘આ’ કારણથી પરેશાનઃ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી
મુંબઈઃ છેલ્લા એક મહિનાથી મધ્ય રેલવેમાં કર્જત, કસારા, બદલાપુરથી સીએસએમટી જનારી લોકલ ટ્રેનો પંદર મિનિટથી લઈને અડધો કલાક સુધી મોડી પડતાં પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે, તેમાંય વળી પીક અવર્સમાં લોકલ ટ્રેનો મોડી પડતાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓની સાથે સરકારી કચેરી-ઓફિસમાં અવરજવર કરનારા પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં મુશ્કેલીમાં પડે છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં રેલવે પ્રશાસન નિષ્ફળ જવાને કારણે પ્રવાસીઓએ રેલવે પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
મધ્ય રેલવેના કર્જત, કસારા, બદલાપુર, આસનગાવ અને ટિટવાલામાં શહેરીકરણ વધતાં ત્યાંની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, જેથી થાણે અને મુંબઈ જતાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો આવ્યો છે. મુંબઈ જવા માટે રેલવે સૌથી મહત્ત્વનો માર્ગ કર્જત, કસારાના પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. જોકે સવારના સમયમાં જ ટ્રેનો મોડી થતાં લોકલ ટ્રેનોમાં ભારે ભીડને લીધે પ્રવાસીઓની હાલાકી થઈ રહી હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે, જ્યારે અમુક પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર પણ રેલવેની ઝાટકણી કાઢી હતી.
લોકલ ટ્રેનોમાં થતી ભીડને લીધે પ્રવાસીઓને માનસિક ત્રાસ સહન કરવો પડે છે તેમ જ રોજે રોજ ટ્રેનો પંદરથી 20 મિનિટ મોડી હોય છે અને ટ્રેનો સ્ટેશન પરથી પણ મોડી છૂટતી હોવાને લીધે ભીડ વધી રહી છે. રેલવેના નબળા કામકાજને કારણે પ્રવાસીઓ દ્વારા રેલવેની ટીકા કરવામાં આવી રહી છે.
આ બાબતે એક પ્રવાસીએ કહ્યું હતું કે તે કર્જત સ્ટેશનથી થાણે નોકરીએ જવા માટે લોકોલ ટ્રેન પકડે છે, પણ ટ્રેનો મોડી પડતાં તેમને ઓફિસે પહોંચવા 20-30 મિનિટ મોડુ થાય છે. જોકે આ બાબતે રેલવે તરફથી કોઈ પણ માહિતી ન આપતા પ્રવાસીઓનો આક્રોશ વધી રહ્યો છે.