ફ્લાઈટમાં લૉડ કરવા પહેલાં જ કેમિકલ ભરેલી બૅગમાં આગ લાગતાં પ્રવાસીઓના જીવ બચ્યા
કેમિકલ અદિસ અબાબા લઈ જવાઈ રહ્યું હતું: લૉજિસ્ટિક કંપનીના માલિક સહિત પાંચની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ફ્લાઈટમાં લૉડ કરવા પહેલાં જ કેમિકલ ભરેલી બૅગમાં આગ લાગતાં મોટી ઘાત ટળી હતી. ઉડ્ડયન પછી ફ્લાઈટમાં આવી ઘટના બની હોત તો પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાઈ જાત. આટલી જોખમી રીતે જ્વલનશીલ કેમિકલને ફ્લાઈટમાં લઈ જનારા પ્રવાસી સહિત પાંચ જણની પોલીસે ધરપકડ કરી હતી.
સહાર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સમીર નારાયણચંદ્ર બિશ્ર્વાસ (32), નંદન દિનેશ યાદવ (26), સુરેશ સુબ્બા સિંહ (46), વિશ્ર્વનાથ લાબાસુબ્રમણી સેંજુનધર (37) અને અખિલેશ ગજરાજ યાદવ (28) તરીકે થઈ હતી. કોર્ટે પાંચેય આરોપીને પાંચ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ ઍરપોર્ટના ટર્મિનલ-2 ખાતે બની હતી. એડિસ અબાબા જનારી ઈથિયોપિયન ઍરલાઈન્સની ફ્લાઈટમાં જ્વલનશીલ કેમિકલ ભરેલી બૅગ લઈ જવાનો પ્રયાસ આરોપીએ કર્યો હતો.
આ પણ વાંચો : દેવદૂત બનીને આવી ટ્રાફિક પોલીસ, આત્મહત્યા કરતી મહિલાને બચાવી જુઓ વીડિયો
ચેકઈન પછી વિમાનમાં લૉડ કરવા પહેલાં અચાનક બૅગમાં આગ લાગી હતી. તાત્કાલિક આગ ઓલવી સંબંધિત બૅગને અલગ કરવામાં આવી હતી અને સહાર પોલીસને જાણ કરાઈ હતી.
ઍરપોર્ટ પહોંચેલી પોલીસે તપાસ કરતાં એ બૅગ સમીર બિશ્ર્વાસ નામના પ્રવાસીની હોવાનું જાણવા મળ્યું હતું. ફ્લાઈટમાંથી નીચે ઉતારી તાબામાં લેવાયેલા બિશ્ર્વાસની પૂછપરછ કરવામાં આવી હતી. બિશ્ર્વાસે આપેલી માહિતી પછી એક પછી એક ચાર આરોપીને નવી મુંબઈથી તાબામાં લેવાયા હતા.
પોલીસ તપાસમાં જણાયું હતું કે થાણે જિલ્લાના અંબરનાથમાં શંકર હાઈટ્સ ઈમારતમાં રહેતા આરોપી સેંજુનધરે કોંગોમાં નવીન શર્મા સુધી પહોંચાડવા માટે કેમિકલ ભરેલી બૅગ સહાર કાર્ગો પાસે લૉજિસ્ટિકનો વ્યવસાય ધરાવતા સુરેશ સિંહને આપી હતી. સિંહે આરોપી નંદન અને અખિલેશને બૅગ ઍરપોર્ટ પહોંચાડવાની કામગીરી સોંપી હતી. નંદને જ પશ્ર્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં રહેતા સમીર બિશ્ર્વાસને બૅગ કોંગો લઈ જવા આપી હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારીના કહેવા મુજબ બૅગ ફ્લાઈટમાં લૉડ થવા પહેલાં આગ લાગી હોવાથી પ્રવાસીઓના જીવ બચી ગયા હતા. આરોપી નવીન શર્મા ભારત બહાર હોવાથી તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકરણે સહાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.