ભિવંડીમાં જોખમી ઈમારતનો હિસ્સો તૂટી પડ્યો: છ જણને બચાવાયા

થાણે: ભિવંડીમાં મહાનગરપાલિકા દ્વારા જોખમી જાહેર કરાયેલી બે માળની ઈમારતનો અમુક ભાગ તૂટી પડતાં છ જણને ઉગારી લેવામાં આવ્યા હતા.
ભિવંડી નિઝામપુર મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ રાજુ વરલીકરે જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાતે 10 વાગ્યાની આસપાસ બની હતી. ભિવંડીના ભંડારી કમ્પાઉન્ડ ખાતે આવેલી આ ઈમારતમાં 15 ભાડૂતો રહેતા હતા. પાલિકાએ રહેવા માટે આ ઈમારતને જોખમી જાહેર કરી હતી.
ઈમારતના માલિકને આ બિલ્ડિંગ ખાલી થાય તે સુનિશ્ર્ચિત કરવાનું જણાવવામાં આવ્યું હતું. મંગળવારની રાતે અમુક લોકો પહેલા માળે આવેલી રૂમમાં સૂવા આવ્યા હતા ત્યારે બીજા માળના દાદરનો ભાગ તૂટી પડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Ghatkopar Hoarding Tragedy: હોર્ડિંગ બાબતે થયો વધું એક ચોંકાવનારો ખુલાસો, વિશ્વાસ નહીં થાય પણ આ હકીકત છે…
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બિલ્ડિંગમાં ફસાયેલા છ જણને ઉગારી લેવામાં આવ્યા હતા.
ભિવંડી મહાપાલિકાના કમિશનર અજય વૈદ્યની દેખરેખમાં બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. દાદરનો બાકીનો ભાગ પણ તોડી પાડવામાં આવ્યો હતો. અધિકારીના જણાવ્યા મુજબ ચોમાસા પૂર્વે જોખમી ઈમારતોને ખાલી કરાવીને તેને તોડી પાડવાની કડક સૂચના આપવામાં આવી છે. આ ઈમારતને પણ આવી સૂચના આપી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)
કલવામાં ઝાડ તૂટી પડતાં બે ઘરને નુકસાન
થાણે: ઝાડ તૂટી પડતાં બે ઘરને નુકસાન થયું હોવાની ઘટના કલવામાં બની હતી. થાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે કલવાના વિટાવા પરિસરમાં મંગળવારની સાંજે 4.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઝાડ ઘરો પર પડવાને કારણે બે ઘરની છતને ઘણું નુકસાન થયું હતું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઝાડનો જોખમી હિસ્સો કાપી નાખવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)