એલ્ફિન્સ્ટન બ્રિજના કામ માટે પરેલ સ્ટેશન પર 20 કલાકના બ્લોકની શક્યતા, કોને હાલાકી પડશે?

મુંબઈઃ પરેલ અને પ્રભાદેવી રેલવે સ્ટેશનની વચ્ચે આંશિક રીતે તોડી પાડવામાં આવેલા એલ્ફિન્સ્ટન બ્રિજના ગર્ડર્સને ડી-લોન્ચ કરવા માટે પરેલ ખાતે 20થી 23 કલાકનો બ્લોક લેવામાં આવે તેવી શક્યતા છે. સોમવારે રેલવે એન્જિનિયરોએ પરેલના છેડે આંશિક રીતે તોડી પાડવામાં આવેલા રોડ ઓવર બ્રિજ (ROB)ના સ્થળની મુલાકાત લીધી હતી જેથી ડિમોલિશન માટે જરૂરી બ્લોકનો સમયગાળો નક્કી કરતા પહેલા કયા મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે તેનું નિરીક્ષણ કરી શકાય.
ટ્રેનોને 25,000 વોલ્ટ સપ્લાય કરતા ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) કેબલના અમુક ભાગોને પુલના અંડરફ્રેમમાં જોડવામાં આવ્યા છે. સૌથી મહત્વપૂર્ણ પાસું બ્રેકેટ ઇન્સ્યુલેટર અને વાયર છે. આને કાઢવાની અને ખસેડવાની પ્રક્રિયા સમય માંગી લેશે, મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.
ફાસ્ટ અને સ્લો કોરિડોર પર બે-બે લાઇનો છે અને સાઈડિંગ માટે એક વધારાની લાઇન (એક ટૂંકો રેલ્વે ટ્રેક જે મુખ્ય લાઇનથી અલગ પડે છે) છે, જે CR પર 100 વર્ષથી વધુ જૂના ROB નીચેથી પસાર થાય છે. દરેક લાઇનમાં પુલના પાયા પર વેલ્ડ કરેલા એક કે બે બ્રેકેટ ઇન્સ્યુલેટર હોય છે.
અમુક કિસ્સામાં OHE કેબલને કાપી શકાતો નથી, તેથી તેને સંપૂર્ણપણે દૂર કરવો પડશે. કેબલની સરેરાશ લંબાઈ બેથી ચાર કિલોમીટરની હોય છે અને તેમને નિયમિત અંતરાલે OHE માસ્ટ (રેલ્વે ટ્રેકની બાજુમાં દેખાતા ઊંચા ગ્રે થાંભલા)નો ઉપયોગ કરીને જોડવામાં આવે છે. “આ કાર્ય માટે ડિમોલિશન કાર્ય પૂર્ણ થયા પછી અને નવા પુલનું બાંધકામ શરૂ થયા પછી વીજ પુરવઠામાં કોઈપણ ખલેલ થાય નહીં તેના માટે આ OHE માસ્ટ અને અન્ય સાધનોને ખસેડવા પડશે,” તેમણે જણાવ્યું હતું.
મેગા બ્લોકને કારણે સેન્ટ્રલ રેલવેની ટ્રેન સેવા ખોરવાતા પ્રવાસીઓ બેહાલ…
આ બધા કામને ધ્યાનમાં લેતા મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે તેમને 23થી 24 કલાકનો સમય લાગશે, જેમાંથી ત્રણથી ચાર કલાક OHE કેબલ દૂર કરવામાં લાગશે. CR અને WR પર રેલ ટ્રેક પરના પુલની લંબાઈ 132 મીટર છે, જેમાંથી 61 મીટર CRના અધિકારક્ષેત્રમાં આવે છે. પ્રથમ તબક્કામાં CR પર મેગા બ્લોક લેવામાં આવશે, ત્યાર બાદ WR લાઇનો પર લેવામાં આવશે.



