પરભણીમાં ફરી બદલાપુર જેવો કિસ્સોઃ પાંચ વર્ષની દીકરીની હાલત જોઈ માતાએ…
મુંબઈઃ મુંબઈ શહેર નજીક આવેલા બદલાપુરમાં બે બાળકી પર એક ખાનગી શાળામાં થયેલા કુકર્મ બાદ રાજકારણ ગરમાયું હતું અને આ કુકર્મનો આરોપી સંજય શિંદે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આરોપીના મોતથી લોકોએ રાહત અનુભવી હતી, પરંતુ કમનસીબે એક નરાધમને મારવાથી વિકૃતી મરતી નથી. બદલાપુર જેવી જ ઘૃણાસ્પદ ઘટના પરભણીમાં બની છે. અહીં એક પાંચ વર્ષની બાળકી સાથે ટોયલેટમાં જ કોઈ નરાધમે દુષ્કૃત્ય કર્યાનું પ્રકાશમાં આવ્યું છે.
આ પણ વાંચો : બોપદેવ ઘાટમાં સામૂહિક બળાત્કાર પ્રકરણે ત્રણ હજાર મોબાઈલ નંબરની તપાસ
આ ઘટનામાં બાળકીને માતાએ ભારે સતર્કતા વાપરી છે. માતાએ જોયું કે બાળકી જ્યારે સ્કૂલેથી ઘરે આવી ત્યારે દુઃખી હતી અને તેને બેસવામાં તકલીફ પડતી હતી. તેણે બાળકીને પૂછ્યું અને જોયું તો તેના શરીર પર વાગ્યાના નિશાન હતા. માતા બાળકીને લઈ હૉસ્પિટલ દોડી અને અહીં ડોક્ટરે તપાસ કરી જણાવ્યું કે બાળકી સાથે કુકર્મ થયું છે. માતાએ એક ક્ષણ રાહ ન જોતા પોલીસ સ્ટેશનની વાટ પકડી અને અહીંના સોનપેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસ અધિકારીઓએ પણ ઘટનાની ગંભીરતાને જોતા પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસની ટૂકડીઓ રવાના કરી આરોપીની શોધખોળ શરૂ કરી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઑગસ્ટ મહિનામાં બદલાપુરમાં બનેલી ઘટનામાં હજુ અમુક કડીઓ તો વણઉકેલાયેલી છે. આરોપીના એન્કાઉન્ટર મુદ્દે હાઈ કોર્ટે પણ મહારાષ્ટ્ર સરકારને ઝાટકી છે.
પણ અહીં નાની બાળકીઓને આ રીતે પિંખવાની વિકૃત્તીનો મુદ્દો વધારે મહત્વનો છે. એક આરોપીનું એન્કાઉન્ટર પણ બીજા આવા નરાધમના મનમાં ડર બેસાડી નથી શકતો કે તેને આવુ અઘોરી કૃત્ય કરતા રોકી નથી શકતું તે ખૂબ જ ચિંતાનો વિષય છે.