પનવેલમાં એક જ કુટુંબના પાંચ જણ બેભાન અવસ્થામાં મળ્યા: એકનું મોત...
આમચી મુંબઈ

પનવેલમાં એક જ કુટુંબના પાંચ જણ બેભાન અવસ્થામાં મળ્યા: એકનું મોત…

ચામાં ઝેરી દ્રવ્ય ભેળવીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસની શક્યતા

મુંબઈ: નવી મુંબઈમાં પનવેલ તાલુકાની એક રૂમમાંથી નેપાળી પરિવારના પાંચ જણ બેભાન અવસ્થામાં મળી આવતાં એકનું મૃત્યુ થયું હતું. ચામાં ઝેરી દ્રવ્ય ભેળવીને પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

ઉલવે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારે પ્રકાશમાં આવી હતી. મૃતકની ઓળખ સંતોષ બીરા લોહાર (22) તરીકે થઈ હતી. પનવેલ તાલુકાના જાવળે ગામમાં છેલ્લા અનેક દિવસોથી આ પરિવાર ભાડેની રૂમમાં રહે છે. બે-ત્રણ દિવસથી કુટુંબના કોઈ સભ્યએ ઘરનો દરવાજો ન ખોલતાં પડોશીઓને શંકા ગઈ હતી. તેમણે આ બાબતે પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘરનો દરવાજો તોડવામાં આવતાં પાંચ જણ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તાત્કાલિક તેમને પનવેલની નાનાસાહેબ ધર્માધિકારી ઉપજિલ્લા હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે સંતોષને મૃત જાહેર કર્યો હતો.

બેભાન રમેશ બીરા લોહાર (23), તેની પત્ની બસંતી, પાંચ અને બે વર્ષના પુત્રો આયુષ અને આર્યન જીવિત હોવાથી તેમનો ઉપચાર શરૂ કરાયો હતો. જોકે આઈસીયુની જરૂર હોવાથી વધુ સારવાર માટે તેમને બાદમાં નવી મુંબઈની એમજીએમ હૉસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર બાદ બન્ને બાળકોનાં સ્વાસ્થ્ય સુધારા પર છે, જ્યારે દંપતીની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

આ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ હોવાનું પોલીસનું માનવું છે. ઘટનાસ્થળેથી ચાના કપ મળ્યા હતા. ચામાં ઝેરી દ્રવ્ય ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. જોકે ઘટના પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button