પનવેલમાં ગર્લફ્રેન્ડની હત્યા કરીને ફરાર થયેલો આરોપી છ મહિના બાદ પકડાયો
થાણે: પનવેલમાં ગર્લફ્રેન્ડની હત્યા કરીને ફરાર થયેલા આરોપીને પોલીસે છ મહિના બાદ ઝડપી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પનવેલના ભિંગરી ગામમાં નિર્જન સ્થળે 10 ઑક્ટોબર, 2023ના રોજ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, એમ સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ શિંદેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: પોલીસ કસ્ટડીમાંથી ભાગેલો હત્યાકેસનો, આરોપી 29 વર્ષ બાદ વલસાડથી પકડાયો
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. મૃતદેહ જ્યાંથી મળી આવ્યો હતો એ વિસ્તાર તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની પોલીસે પૂછપરછ કરી હતી.
દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે પનવેલના માલધક્કા વિસ્તારમાંની કોલોનીનો રહેવાસી પાંડવ ગોરખ જાધવ ઉર્ફે પંડ્યા મૃતક મહિલા સાથે રહેતો હતો અને મહિલાની ગળું દબાવીને હત્યા કર્યા બાદ તે ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચો: વસઇમાં ધોળેદહાડે યુવકની હત્યા: ફરાર આરોપીની 35 વર્ષ બાદ ધરપકડ
29 માર્ચે પોલીસને જાણ થઇ હતી કે આરોપી પાંડવ જાધવ પનવેલ સ્થિત મૉલમાં આવવાનો છે. આથી પોલીસ ટીમે છટકું ગોઠવીને તેને તાબામાં લીધો હતો.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે 9 ઑક્ટોબર, 2023ના રોજ પાંડવ અને મહિલાએ દારૂ પીધો હતો. એ સમયે કોઇ બાબતે બંને વચ્ચે વિવાદ થયો હતો. આથી ઉશ્કેરાયેલા પાંડવે ગળું દબાવીને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાં ફરાર થઇ ગયો હતો. ધરપકડથી બચવા તે મહારાષ્ટ્રના વિવિધ સ્થળે રહ્યો હતો અને બાદમાં ગુજરાત ગયો હતો.
(પીટીઆઇ)