થાણેઃ થાણેના કલવામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્રણ બહેનોએ મળીને એક મહિલાને માર માર્યો હતો જેને કારણેો મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાણીપુરી ખાતી વખતે મહિલા તેમના પર હસતી હોવાની શંકા જતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેના કારણે જ હત્યાનો બનાવ બન્યો હતો. કલવા પોલીસે આરોપી રેણુકા બોન્દ્રા, અંજના રાયપુરે અને લક્ષ્મી ગાડગે વિરુદ્ધ હત્યાનો કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે. મૃતક મહિલાનું નામ મુક્તા કલશે છે અને આરોપી મહિલા તેની ભાભી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મુક્તા તેની માતા અને ભાઈ સચિન સાથે કલવાના જય ભીમ નગરમાં રહેતી હતી. આરોપી રેણુકાના લગ્ન મુક્તાના ભાઈ રાહુલ સાથે થયા હતા. જો કે બે વર્ષ પહેલા રાહુલનું અવસાન થયું હતું. ત્યારબાદ રેણુકાએ તે જ વિસ્તારમાં રહેતા અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ રેણુકાનો મુક્તાના પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો.
બનાવ વિગત મુજબ મુક્તાની એક પરિણીત બહેન દિવાળીની ઉજવણી માટે તેના ઘરે આવી હતી. 23 નવેમ્બરે મુક્તા તેની બહેન સાથે પાણીપુરી ખાવા ગઈ હતી. તે સમયે બંને બહેનો એકબીજા સાથે વાતો કરી રહી હતી અને હસતી હતી. તે જ સમયે રેણુકા પણ તેમની બાજુમાં આવી ગઇ હતી. મુક્તા અને તેની બહેનને હસતાં જોઈને તેણે વિચાર્યું કે તેઓ તેને જોઈને જ હસતા હતા. જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મુક્તાએ રેણુકાને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો કે બંને બહેનો રેણુકા પર નથી હસી રહી, પણ રેણુકા માનવા તૈયાર નહોતી અને તેણે મુક્તાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજા દિવસે સવારે મુક્તા જાહેર શૌચાલયમાં જઈ રહી હતી ત્યારે રેણુકા અને તેની બહેનો અંજના અને લક્ષ્મીએ મુક્તાનો રસ્તો રોક્યો હતો. ત્રણેય મુક્તાને લાત મારવા લાગ્યા હતા. આ વાતની જાણ મુક્તાની માતાને થતાં જ તે મુક્તાને બચાવવા દોડી આવી હતી. તેણે ત્રણેયને યુવતીની હત્યા ન કરવા વિનંતી પણ કરી હતી. જો કે, તે ત્રણેએ તેની માતાને પણ માર માર્યો હતો. લક્ષ્મીએ મુક્તાના વાળ પકડીને તેને જમીન પર પછાડી દીધી હતી.
ગંભીર રીતે ઘાયલ મુક્તાએ પોલીસનો સંપર્ક કરીને કલવા પોલીસ સ્ટેશનમાં હુમલાની ફરિયાદ નોંધાવી હતી. ઘાયલ મુક્તાને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બાદમાં પોલીસે હત્યાના આરોપમાં ત્રણે બહેનોની ધરપકડ કરી હતી.
Taboola Feed