પાલઘરમાં ઘરમાં ઘૂસેલા ચોરને મહિલાએ ‘આ’ રીતે જેલભેગાં કર્યાં, જાણો બહાદૂર મહિલાનો કિસ્સો

પાલઘર: ઘરમાં ઘૂસેલા બે ચોરનો મહિલાએ હિમ્મતપૂર્વક સામનો કરી એકને પકડી પાડ્યો હોવાની ઘટના પાલઘરમાં બની હતી. ચોરે પાનાથી કરેલા હુમલામાં ઇજા થઈ હોવા છતાં મહિલાએ પોતાની પકડ ઢીલી છોડી નહોતી, ઊલટું ચોરને જમીનસરસો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પાલઘર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અનંત પરાડે જણાવ્યું હતું કે ઘટના સોમવારની સાંજે બની હતી. મહિલા અને તેના પડોશીઓએ ચોરને પોલીસના તાબામાં સોંપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના સાથીની શોધ હાથ ધરી હતી.
મહિલા તેના પતિ સાથે રોજિંદી દિનચર્યા પ્રમાણે દરિયાકિનારે આવેલા ઘર નજીક આંટા મારવા નીકળી હતી. આ સમય દરમિયાન બે ચોર તેના ઘરમાં ઘૂસ્યા હતા. ચોરોએ સોનાના દાગીના અને અન્ય કીમતી વસ્તુઓ ભેગી કરી લીધી હતી. બન્ને ચોર રફુચક્કર થવાની તૈયારીમાં હતા ત્યારે દંપતી ઘરે પાછું ફર્યું હતું.
આ પણ વાંચો: સગીરાને કૉલ્ડ કોફી પીવડાવી તેના જ ઘરમાંથી ઘરેણાં ચોર્યાં બેસ્ટ ફ્રેન્ડે
દંપતીને જોઈ ચોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક ચોરને મહિલાએ પકડી પાડ્યો હતો. મહિલાની પકડમાંથી છૂટવા તરફડિયાં મારતા ચોરે પાનાથી મહિલાના હાથ પર ઘા કર્યા હતા. જખમી અવસ્થામાં પણ મહિલાએ તેને પકડી રાખ્યો હતો અને જમીન પર પાડવાનો પ્રયાસ કર્યો હતો. એ જ વખતે મહિલાના પતિએ બીજા ચોરને પકડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
દરમિયાન મહિલાએ કરેલી બૂમાબૂમથી પડોશીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે 40 વર્ષના આરોપીને તાબામાં લીધો હતો. જખમી મહિલાની સારવાર કરાવાઈ હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
(પીટીઆઈ)