
પાલઘર: વિરારમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં ખાનગી શાળાની કૅન્ટીનમાં બે વિદ્યાર્થીનું કથિત જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે સ્કૂલના મૅનેજરની ફરિયાદ બાદ વૉચમૅનની ધરપકડ કરી હતી.
અર્નાળા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 15 અને 17 વર્ષના બે સગીર સાથે કથિત ઘટના બની હતી. આ પ્રકરણે સ્કૂલના મૅનેજરે શનિવારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75 અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ડોમ્બિવલીમાં સગીર બહેન સાથે કુકર્મ આચરનારા ભાઈને 10 વર્ષની કેદ
પકડાયેલા આરોપીની ઓળખ રેયમંડ વિલ્સન દિયાસ (53) તરીકે થઈ હતી. પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 15થી 20 જૂન દરમિયાન બની હતી. વિરાર પૂર્વમાં આવેલી ખાનગી શાળાની કૅન્ટીનમાં બન્ને વિદ્યાર્થીનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ઘટના પ્રકાશમાં આવતાં વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દે વાલીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસે રવિવારની સાંજે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે બદલાપુરની શાળામાં ઑગસ્ટ, 2024માં સફાઈ કર્મચારીએ ચાર વર્ષની બે બાળકી સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાને પગલે ભારે હોબાળો મચ્યો હતો અને વાલીઓ રસ્તા પર ઊતર્યા હતા. મામલો શાંત પાડવા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. ઘટના સંવેદનશીલ હોવાથી તપાસ માટે એસઆઈટી પણ નીમવામાં આવી હતી. બાદમાં પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીની ઢીમ ઢાળી દીધું હતું. (પીટીઆઈ)