કેળવેના રિસોર્ટમાં ગોળી વાગતાં સગીરા ઘાયલ: બોયફ્રેન્ડને તાબામાં લેવાયો…

પાલઘર: પાલઘર જિલ્લાના કેળવે ખાતેના રિસોર્ટમાં બોયફ્રેન્ડ સાથે આવેલી 17 વર્ષની સગીરાને ગોળી વાગતાં તે ઘાયલ થઇ હતી. આ પ્રકરણે સગીરાના બોયફ્રેન્ડને તાબામાં લેવામાં આવ્યો હોઇ પોલીસે રિસોર્ટની રૂમમાંથી બંદૂક જપ્ત કરી હતી. બોયફ્રેન્ડે રોષે ભરાઇને સગીરાને ગોળી મારી હોવાનું કહેવાય છે.
કેળવેના રિસોર્ટમાં આજે બપોરે એક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં ઘવાયેલી સગીરાની ઓળખ તેજલ શિવરામ ભીડે તરીકે થઇ હતી. તેજલને સારવારાર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને ત્યાર બાદ તેને સુપર સ્પેશિયલિટી હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં ગોળી કાઢવા માટે સર્જરી કરવામાં આવી હતી, એમ પાલઘરના એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વી.એસ. નરાલેએ જણાવ્યું હતું.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તેજલ ભીડે શુક્રવારે તેના બોયફ્રેન્ડ સાથે કેળવે ખાતેના રિસોર્ટમાં આવી હતી. રિસોર્ટમાં બપોરે બંદૂક સંભાળતી વખતે તેમાંથી ગોળી છૂટી હતી અને તે કરોડરજ્જુમાં વાગતાં તેજલ ઘાયલ થઇ હતી. દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ કર્મચારીઓ તપાસ માટે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે તેજલના બોયફ્રેન્ડને તાબામાં લીધો હતો અને રિસોર્ટની રૂમમાંથી બંદૂક જપ્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે કેળવેમાં આવેલા રિસોર્ટમાં 23 મેના રોજ બોયફ્રેન્ડ સાથે ગયેલી યુવતી બપોરે ચિકન ખાતી હતી ત્યારે ટુકડો તેના અન્નનળીમાં ફસાઇ ગયો હતો, જેને કારણે તેને તકલીફ થવા લાગી હતી. શ્ર્વાસ લેવામાં મુશ્કેલી પડતાં યુવતી જમીન પર ફસડાઇ પડી હતી. યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી