કૉન્ક્રીટ પ્લાન્ટ પાસે ખાડામાં પડેલા બે કામગારનાં ગૂંગળામણથી મૃત્યુ…

પાલઘર: મુંબઈ-અમદાવાદ હાઈવે પરના પાલઘર જિલ્લામાં રેડી-મિક્સ કૉન્ક્રીટ (આરએમસી)ના પ્લાન્ટ પાસેના 30 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયેલા બે કામગારનાં ગૂંગળામણથી મૃત્યુ થયાં હતાં. બન્ને કામગારને બચાવવા ખાડામાં ઊતરેલા એક સાથીનું પણ સ્વાસ્થ્ય બગડતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની સાંજે પાલઘરના સાસુપાડા વિસ્તારમાં આવેલા પ્લાન્ટ ખાતે બની હતી. મૃતકોની ઓળખ વિશ્ર્વજીત હરિશ્ર્ચંદ્ર રાજભર (20) અને રાજન સુરેન્દ્ર રાજભર (24) તરીકે થઈ હતી. કહેવાય છે કે બન્ને કામગાર વિશ્ર્વજીત અને રાજનના પગ લપસવાને કારણે તે 30 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા હતા. ખાડામાં નકામું કેમિકલ અને કૉન્ક્રીટ મટીરિયલ હતું, જેને કારણે બન્નેને ગૂંગળામણ થવા લાગી હતી.
બન્નેની મદદ માટેની બૂમો સાંભળી તેમનો સાથી કામગાર સલમાન ખાન ખાડામાં ઊતર્યો હતો. સાથીઓને બચાવવા ઊતરેલા સલમાનને પણ ગૂંગળામણ થવા લાગી હતી. હાયડ્રા ક્રેનની મદદથી ત્રણેયને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વિશ્ર્વજીત અને રાજન બેભાન થઈ ગયા હતા. નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલા બન્નેને તબીબે મૃત જાહેર કર્યા હતા. સલમાનની હાલત ગંભીર હોવાથી સારવાર માટે તેને મીરા રોડની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં પ્લાન્ટના માલિક અથવા મૅનેજમેન્ટની બેદરકારીને કારણે આવું બન્યું હોવાનું જણાઈ રહ્યું છે. કામના સ્થળે સુરક્ષાનાં પૂરતાં પગલાં લેવાયાં ન હોવાનું જણાય છે. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)