પાલઘરમાં ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લીકેજ…
કંપનીના ચાર અધિકારી વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ

પાલઘર: પાલઘર જિલ્લામાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં નાઇટ્રોજન ગેસ લીકેજમાં ચાર કામગારનાં મૃત્યુ થયાના બીજે દિવસે પોલીસે કંપનીના ચાર અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
બોઇસર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફાર્મા કંપનીના ચાર વરિષ્ઠ અધિકારી સામે શુક્રવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (સદોષ મનુષ્યવધ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
એફઆઇઆરમાં તેમનાં નામ છે અને આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
બોઇસરના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પ્લોટ નંબર-13 ખાતે મેડલી ફાર્મામાં ગુરુવારે બપોરે આ ઘટના બની હતી.
પાલઘર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન રિએક્શન ટેન્કમાંથી બપોરે 2.30થી 3 વાગ્યા વચ્ચે ગેસ લીકેજ થતાં છ કામગારને અસર થઇ હતી.
કામગારોને તાત્કાલિક સારવાર માટે શિંદે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સાંજે ચાર જણ મૃત્યુ પામ્યા હતા. ચારેયની ઓળખ કલ્પેશ રાઉત (43), બંગાલી ઠાકુર (46), કમલેશ યાદવ (31) અને ધીરજ પ્રજાપતિ (31) તરીકે થઇ હતી. ઘટના સમયે પ્લાન્ટમાં 36 કામગાર હાજર હતા.
રોહન શિંદે (35) અને નીલેશ હદલ (37) નામના બે કામગારની હાલત નાજુક છે અને તેમની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે.
દરમિયાન સ્થાનિક પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તપાસ આદરી હતી. (પીટીઆઇ)
આ પણ વાંચો…સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરનારો પાલઘરની લૅબમાં બનાવતો હતો ડ્રગ્સ…