દરિયાઈ સીમા ભગવાન ભરોસે…વાઢવણ બંદરવાળા પાલઘર કિનારાની રક્ષા માટેની ચારમાંની ત્રણ બોટ બંધ
પહલગામ હુમલા પગલે સરહદો પર સલામતી વધારાઈ, પણ આ મહત્ત્વના પશ્ર્ચિમ કાંઠા માટેની એક બોટ બગડેલી, જ્યારે બીજી બે આધુનિકીકરણ માટે ગઈ

મુંબઈ: કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા પછી મુંબઈ અને આસપાસના ભાગોમાં સુરક્ષા અને દરિયાકિનારાઓની સલામતી વધારવાની સૂચના આપવામાં આવી છે ત્યારે મહત્ત્વના પશ્ર્ચિમ કાંઠાની સલામતીવ્યવસ્થામાં છીંડાં હોવાનું સામે આવ્યું છે. પાલઘર જિલ્લાના વાઢવણને દેશનું સૌથી મોટું બંદર બનાવવાની દિશામાં સરકાર પગલું ભરી રહી છે એવા સમયે ત્યાંના દરિયાકાંઠાની સુરક્ષા માછીમારોને ભરોસે હોવાનું કહેવાય છે. દરિયાઈ સુરક્ષા માટેની પાલઘર પોલીસની ચારમાંથી માત્ર એક જ બોટ અત્યારે કાર્યરત છે, જ્યારે બીજી બગડેલી છે અને અન્ય બે આધુનિકીકરણ માટે મોકલાઈ હોવાનું ખુદ પોલીસ કબૂલે છે. યાદ રહે, 2008માં 26/11નો આતંકી હુમલો દરિયાઈ સીમા ઓળંગીને જ થયો હતો.
પાલઘર પોલીસની અખબારી યાદીમાં જણાવાયું છે કે પહલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે દરિયાઈ સુરક્ષા વધારીને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકિનારા અને ખાડી જે પોલીસ સ્ટેશનોની હદમાં આવે છે ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓને ચાંપતી નજર રાખવાનું કહેવામાં આવ્યું છે.
જોકે આ અખબારી યાદીમાં જ જણાવાયું છે કે પાલઘર વિભાગમાં દરિયાની સુરક્ષા માટે ચાર બોટ છે, જેમાંથી એક બોટ કાર્યરત હોવાથી તેના દ્વારા દરિયામાં નિયમિત રીતે પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. એક બોટનું સમારકામ કરવાનું હોવાથી સ્થાનિક કોન્ટ્રાક્ટરને ઑર્ડર આપવામાં આવ્યો છે. એ બોટનું સમારકામ ચાલી રહ્યું છે. બાકીની બે બોટનું આધુનિકીકરણ કરવા સરકારી આદેશથી ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. એ બોટનું આધુનિકીકરણું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
અત્યારે પાલઘર જિલ્લાના માછીમારો સાથે સમન્વય સાધી પોલીસ દરિયાકિનારા પરની ગતિવિધિ નજર રાખી રહી છે અને પેટ્રોલિંગ કરી રહી છે. સુરક્ષા માટે બે ડ્રોનની પણ મદદ લેવાઈ રહી છે. એ સિવાય જરૂરિયાત અનુસાર ખાનગી બોટથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
આ જળસીમામાં સમયાંતરે કોસ્ટ ગાર્ડ, મત્સ્ય વિભાગ, મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડ અને કસ્ટમ દ્વારા પેટ્રોલિંગ થઈ રહ્યું છે. લૅન્ડિંગ પૉઈન્ટ, કોસ્ટલ પોસ્ટ જેવાં મહત્ત્વનાં સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પાલઘર વિભાગમાંની બધી સુરક્ષા યંત્રણાને સતર્ક રહેવા સંબંધેના મેસેજ મોકલવામાં આવ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
પાલઘર જિલ્લાના કોઈ પણ દરિયાકિનારે શંકાસ્પદ હિલચાલ કે શકમંદ નજરે પડે તો તાત્કાલિક પોલીસ ક્ધટ્રોલ રૂમ અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનને માહિતી આપવાની અપીલ નાગરિકોને કરવામાં આવી છે.
આ પણ વાંચો…એપ્રિલ પૂરો થયો હોવા છતાં માત્ર ૩૦ ટકા જ નાળાસફાઈ