આમચી મુંબઈ

સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરનારો પાલઘરની લૅબમાં બનાવતો હતો ડ્રગ્સ…

ધરપકડ કરાયેલા ત્રણ આરોપી પાસેથી 22.64 લાખનું એમડી જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ બાદ નોકરીએ લાગેલો યુવાન પાલઘરની કેમિકલ ફૅક્ટરીમાં આવેલી લૅબોરેટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતો હોવાની ચોંકાવનારી માહિતી પોલીસ તપાસમાં સામે આવી હતી. અંધેરીની એમઆઈડીસી પોલીસે આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી 22.64 લાખ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ફરહાન ગુલઝાર ખાન (36), પ્રતીક સુદર્શન જાધવ (24) અને વિજય રાજારામ ખટકે (43) તરીકે થઈ હતી. કોર્ટે ત્રણેય આરોપીને સાત દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ શનિવારની રાતે 12 વાગ્યાની આસપાસ અંધેરીમાં પમ્પ હાઉસ સબવેથી કનોસા જંક્શન તરફ લાલ રંગની સ્કોડા કાર પૂરપાટ વેગે જઈ રહી હતી. પેટ્રોલિંગ પર હાજર પોલીસની ટીમે શંકાને આધારે કારને રોકી હતી. કાર રેકોર્ડ પરનો આરોપી ખાન ચલાવી રહ્યો હતો. કાર સાથે ખાનને એમઆઈડીસી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન ખાન પાસેથી 2.80 લાખ રૂપિયાનું એમડી મળી આવ્યું હતું. આ એમડી તેણે પાલઘરમાં રહેતા ડ્રાઈવર જાધવ પાસેથી પ્રાપ્ત કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પાલઘર વિસ્તારમાં શોધ હાથ ધરી સોમવારની રાતે જાધવને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 7.60 લાખનું ડ્રગ્સ અને કાર જપ્ત કરવામાં આવી હતી. જાધવે આપેલી માહિતી પરથી પોલીસની ટીમ ડ્રગ્સ બનાવતી લૅબ સુધી પહોંચી હતી.

પાલઘર જિલ્લાના તારાપુર ખાતેની કેમિકલ ફૅક્ટરીમાં આ લૅબ આવેલી હતી. રસાયણશાસ્ત્રમાં એમએસસી ભણેલો ખટકે લૅબમાં એમડી બનાવતો હતો. પોલીસે લૅબ પર રેઇડ કરી ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ અને સાધનસામગ્રી જપ્ત કરી હતી. જાધવ અને ખટકેની મંગળવારની સવારે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી છ મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button