માતાને ત્રાસ આપનારી દાદી સાથે દુષ્કર્મ કરી હત્યા: પૌત્રની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલઘર જિલ્લાના તારાપુર ખાતે બનેલી આંચકાજનક ઘટનામાં માતા સાથે વારંવાર ઝઘડો કરી ત્રાસ આપનારી દાદી પર વેર વાળવાને ઇરાદે પૌત્રે કથિત દુષ્કર્મ કરી તેની કરપીણ હત્યા કરી હતી. પોલીસે ઘટના પ્રકાશમાં આવ્યાના માત્ર 12 કલાકમાં જ ગુનો ઉકેલી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ તારાપુરના વાવે-ડોંગરીપાડા સ્થિત એક મંદિરમાં સૂતેલી 70 વર્ષની વૃદ્ધાનો મૃતદેહ મંગળવારની સવારે મળી આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને ગળું દબાવી વૃદ્ધાની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે તારાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડની કુહાડીના ઘા ઝીંકી હત્યા: આરોપીને આજીવન કારાવાસ…
તપાસ દરમિયાન મળેલી માહિતી અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી ક્રાઈમ બ્રાન્ચ અને તારાપુર પોલીસની ટીમે બાવીસ વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. અંકેશ મૃતકના સાવકા પુત્રનો દીકરો હોવાનું પોલીસનું કહેવું છે.
પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે વૃદ્ધા આરોપીની માતા સાથે વારંવાર ઝઘડા કરી તેને ત્રાસ આપતી હતી. આ વાતનો આરોપીને ગુસ્સો હતો. રોષમાં તેણે આવું કૃત્ય કર્યું હોવાની કબૂલાત આરોપીએ કરી હતી.
પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી માહિતી હાથ લાગી હતી. આરોપીએ કબૂલ્યું હતું કે તેને એટલો ગુસ્સો હતો કે તેણે અગાઉ વૃદ્ધા પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જોકે એ બાબતની જાણ વૃદ્ધાએ કોઈને કરી નહોતી. પોલીસને શંકા છે કે હત્યા પૂર્વે આરોપીએ વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ બાબતે તપાસ કરી અભિપ્રાય આપવાનું પોલીસે પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરને સૂચવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.