પાકિસ્તાન સુપર લીગની મેચ પર સટ્ટો: વર્સોવાથી ચાર પકડાયા
મુંબઈ: પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની મેચ પર સટ્ટો લેવા બદલ વર્સોવાથી ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી. વર્સોવાના બંગલામાં ચારેય જણ ઓનલાઇન સટ્ટો લઇ રહ્યા હતા. તેમની પાસેથી ત્રણ લેપટોપ, 11 મોબાઇલ તથા અન્ય મતા જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
વર્સોવા પોલીસે ધરપકડ કરેલા ચારેય જણની ઓળખ પ્રતીક પજવાની, પુખરાજ ધ્રુવ, શુભમ બલવાની અને શાંતનુ ચક્રવર્તી તરીકે થઇ હતી.
વર્સોવા વિસ્તારમાં એક બંગલામા અમુક લોકો ગુરુવારે પીએસએલની ઇસ્લામાબાદ યુનાઇટેડ અને ક્વેટા ગ્લેડિયેટર ટીમ વચ્ચે રમાતી મેચ પર સટ્ટો લઇ રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. આથી પોલીસે ઉપરોક્ત બંગલામાં છાપો મારતાં ત્યાં ચાર જણ મેચ પર સટ્ટો લેતા મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી બે લાખની રોકડ જપ્ત કરી હતી. તેઓ સટ્ટા માટે જે રકમ સ્વીકારતા હતા તે ત્રણ બેન્ક ખાતામાં જમા કરાઇ હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ચારેય જણની ધરપકડ કરી હતી.