મહારાષ્ટ્ર સરકાર પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓને 50 લાખ રૂપિયાની સહાય આપશે; શિક્ષણ અને રોજગાર માટેની જોગવાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પહલગામ હુમલામાં દેશભરના 26 પ્રવાસીઓના મોત થયા. આમાં મહારાષ્ટ્રના 6 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ છ લોકોના પરિવારો માટે મોટી જાહેરાત કરી છે.
પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે 50 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત, રાજ્ય સરકાર આ પરિવારના સભ્યોના શિક્ષણ અને રોજગારની જવાબદારી ઉઠાવશે. જગદાળે પરિવારની દીકરીને સરકારી નોકરીનું વચન પણ આપવામાં આવ્યું હતું.
આપણ વાંચો: પહલગામ હુમલાના પીડિત પરિવારને મહારાષ્ટ્ર સરકારે 50 લાખ મદદની કરી જાહેરાત
‘આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા અમારા ભાઈઓના પરિવારોને પચાસ લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કેબિનેટે લીધો છે. શિક્ષણ અને નોકરીઓની જરૂરિયાત માટે સહાય પૂરી પાડવામાં આવશે.
આ નિર્ણય એ સંદેશ આપવા માટે લેવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે અને આતંકવાદને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારો સાથે મજબૂત રીતે ઉભી છે,’ એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
આપણ વાંચો: પહલગામ હુમલાને અંજામ આપનારો છે પાકિસ્તાન સેનાનો પૂર્વ કમાન્ડો, જાણો કોણ છે?
દરમિયાન, રાજ્ય સરકારે ખાતરી આપી છે કે હુમલામાં મૃત્યુ પામેલા પુણેના સંતોષ જગદાળેની પુત્રી આશાવરી જગદાળેને સરકારી નોકરી આપવામાં આવશે. આશાવરીએ મીડિયાને આ માહિતી આપી હતી.
આશાવરીએ કહ્યું હતું કે, ‘રાજ્ય સરકાર અસરગ્રસ્ત પરિવારો માટે જે કરી રહી છે તે બદલ હું મુખ્ય પ્રધાન અને અન્ય તમામ સરકારી અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમણે બધાએ અમને કહ્યું છે કે તેઓ અમારી સાથે છે. આ મુશ્કેલ સમયમાં તેઓ અમારા પરિવારો સાથે છે.
સરકારમાં દરેક વ્યક્તિ અમને મદદ કરશે. રાજ્ય સરકારે અમને કહ્યું હતું કે અમે તમારી સરકારી નોકરી માટે પ્રયાસ કરીશું. અમને નાણાકીય સહાય અને મારા માટે સરકારી નોકરીની ખાતરી આપવામાં આવી છે. હું તેના માટે સરકાર અને મુખ્ય પ્રધાનનો આભાર માનું છું.’