ઓવૈસીએ પડકાર ફેંકયો રાહુલ ગાંધીને અને પહેલી પ્રતિક્રિયા આવી સંજય રાઉતની…
મુંબઈ: દેશમાં લોકસભા ચૂંટણી પહેલાં તમામ પક્ષો પોત પોતાની રીતે પ્રચાર કાર્યમાં યસ્ત બની ગયા છે. રોજે રોજ મોટા મોટા નેતા પણ નાના મોટા નિવેદનો કરીને ચર્ચામાં રહે છે, જેમાં આજે એઆઈએમઆઇએમના વડા અસુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને હૈદરાબાદમાં ચૂંટણી લડવાનો પડકાર ફેક્યો હતો, પણ તેની સામે રાહુલની પ્રતિક્રિયા આવ્યા પહેલા શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે પ્રતિકિયા આપી હતી. શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતી કે જો ઓવૈસીને પડકાર આપવો જ હતો તો તેમણે પીએમ મોદીજીને હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર આપવો જોઈતો હતો. આજે રાહુલજી દેશના સર્વસ્વીકૃત નેતા બની ગયા છે. ઓવૈસીજીએ સમજવું જોઈએ કે દેશમાં શું ચાલી રહ્યું છે અને તેમણે મોદીજીને પડકાર આપવો જોઈએ.
ઓવૈસી સાહેબે રાહુલ ગાંધીને નહીં, પરંતુ મોદીજીને હૈદરાબાદમાં આવીને ચૂંટણી લડવાનો પડકાર આપવો જોઈએ. હવે રાહુલ ગાંધીનું કદ એટલું વધી ગયું છે કે તેઓ દેશમાં ક્યાંય પણ ચૂંટણી લડશે તો તેઓ જીતી જશે. ઓવૈસીજીને સમજીને રાહુલને પડકાર આપવો જોઈએ. એટલું જ નહિ, ચૂંટણી જીતવા પ્રત્યે ભાજપનું વલણ યોગ્ય નથી. તેઓ બંધારણ, કાયદા અને નિયમોનો ભંગ કરીને સંસદ ચલાવે છે, એવો સંજય રાઉતે દાવો કર્યો હતો.
અસદુદ્દીન ઓવૈસી પોતાના સંસદીય ક્ષેત્રમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. એ વખતે તેમણે કહ્યું હતું કે યુપીમાં વિવાદિત માળખું દેશની સૌથી જૂની પાર્ટી (કોંગ્રેસ)ના શાસન દરમિયાન તોડી પાડવામાં આવ્યું હતું. હું તમારા નેતા (રાહુલ ગાંધી)ને વાયનાડથી નહીં, પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકું છું. તમે મોટા મોટા નિવેદનો આપતા રહેશો. મેદાનમાં આવો અને મારી સામે લડો. કોંગ્રેસના લોકો કંઈપણ કહે પણ હું તૈયાર છું.
અગાઉ રાહુલ ગાંધીએ તેલંગાણામાં એક સભામાં કહ્યું હતું કે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી BRS સામે નહીં, પરંતુ BRS, BJP અને AIMIM સાથે લડી રહી છે. તેઓ ભલે પોતાની જાતને અલગ-અલગ પાર્ટી કહે પરંતુ કામ એકતામાં થઈ રહ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સીએમ કે ચંદ્રશેખર રાવ અને અસદુદ્દીન ઓવૈસી સામે કોઈ સીબીઆઈ અને ઈડી તપાસ ચાલી રહી નથી કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને પોતાના માને છે.