OTT વિશે RSSના વડા મોહન ભાગવતે કહી મોટી વાત, નૈતિકતા ભ્રષ્ટ થવા વિશે કહ્યું કે…

મુંબઈ: દેશની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના 100મા સ્થાપના દિને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ઓટીટી(ઓવર ધ ટોપ મીડિયા સર્વિસ) પ્લેટફોર્મ પર નિશાન સાધ્યું હતું અને તેને લોકોની નૈતિકતા ભ્રષ્ટ થવાનું એક કારણ ગણાવ્યું હતું.
નાગપુરના રેશિમબાગ ખાતે દશેરાની પારંપારિક રીતે યોજાતી રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે લોકોની નૈતિકતા ભ્રષ્ટ થવાનું એક કારણ ઓટીટી પ્લેટફોર્મ છે અને તેના પર કાયદાકીય અંકુશો લાદવા જરૂરી છે. ઓટીટી પર દેખાડવામાં આવતી વસ્તુઓ એટલી ઘૃણાસ્પદ હોય છે કે તેના વિશે વાત કરવું પણ અસભ્ય ગણાશે, એટલે હું કહું છું કે તેના પર કાયકાદીય અંકુશો લાદવા જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાના સૌથી મોટા સ્વયંસેવી સંઘ આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની સ્થાપનાના દિવસે આજે નાગપુરમાં યોજવામાં આવેલા કાર્યક્રમ નિમિત્તે મોહન ભાગવત બોલી રહ્યા હતા અને એ દરિમયાન તેમણે ઓટીટી પર પીરસવામાં આવતી હિંસક તેમ જ અશ્લીલ સામગ્રી સામે આંગળી ચીંધી હતી. આ સામગ્રીના કારણે યુવાનો, બાળકો, કુમળી વયના જનમાનસ પર અવળી અસર પડતી હોવાનું મોહન ભાગવતે જણાવ્યું હતું.
આ પણ વાંચો :RSS માટે રાજ ઠાકરેનો પ્રેમ? જાણો શું કહ્યું રાજ ઠાકરેએ વખાણમાં…
આ વર્ષે આરએસએસ 100મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેના કારણે આ વખતના સ્થાપના દિવસનું મહત્ત્વ હોઇ બધાની નજર મોહન ભાગવત શું કહે છે તેના પર હતી. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ એક પોડકાસ્ટમાં આરએસએસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા.