ખાવા માટે ઑર્ડર કર્યો આઇસક્રીમ, પેકીંગ ખોલતા જ હોંશ ઉડી ગયા….

મુંબઈ: હાલમાં એટલી બધી ફૂડ ડિલિવરી એપ આવી ગઈ છે કે ભાગદોડમાં જીવતા લોકોનું કામ ઘણું સરળ થઈ ગયું છે. તેઓ તેમને જોઈતો મનપસંદ ખાવાનું ઓર્ડર કરે છે અને થોડીવારમાં તેમને તેની ડિલિવરી મળી જાય છે, પરંતુ સુત્રોથી મળેલ માહિતી મુજબ મલાડની એક વ્યક્તિ માટે આવો ઓર્ડર કરવાનું આંચકાજનક સાબિત થયું હતું.
મુંબઈના મલાડના રહેવાસી 27 વર્ષીય ડોક્ટરે ફૂડ ડિલિવરી એપ પરથી આઈસ્ક્રીમ કોનનો ઓર્ડર આપ્યો હતો. આ આઈસક્રીમનું નામ યુમ્મો બટરસ્કોચ છે. થોડા સમયમાં જ ડિલિવરી બોય તેને પેકેજ આપી ગયો હતો. ત્યારબાદ તેણે પેક ખોલીને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આઈસ્ક્રીમ ખાવાનો શરૂ કર્યો હતો, પરંતુ જ્યારે તેણે ખાતી વખતે આઈસ્ક્રીમની અંદર માનવ અંગની કાપી નાખેલી આંગળી જોઈ ત્યારે તે ચોકી ગયો હતો. આ આંગળી લગભગ બે સેન્ટીમીટર લાંબી હતી. આ બાદ ડોક્ટરે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.
હાલમાં આ મામલાની નોંધ લઈને મલાડ પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આ આઈસ્ક્રીમનું ઉત્પાદન કયા સ્થળે કરવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે, જેથી કરીને આ કોની આંગળી છે તે સ્પષ્ટ થઈ શકે. પોલીસે હાલમાં આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે જેનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે.