આચારસંહિતાનો ભંગ કરવા બદલ ભાજપના નેતા સામે કાર્યવાહી કરવાનો આદેશ
મુંબઈ: લોકસભાની ચૂંટણી ટાણે દરેક પાર્ટીના નેતાઓ વિરોધી પક્ષો પર ટીકા-ટિપ્પણી કરી રહ્યા છે, જ્યારે અમુક નેતાઓ જાણે અજાણે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ કરતા હોય છે ત્યારે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા નીતિન ગડકરી સામે ચૂંટણી પંચે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ચૂંટણી પ્રચારમાં શાળાના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવા મામલે તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં હકીકતમાં પ્રચાર માટે શાળાના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પુરવાર થતા ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ નીતિન ગડકરીના રાજકીય વારસદાર કોણ? જાહેર સભામાં કરી જાહેરાત
નાગપુર લોકસભા બેઠકના ઉમેદવાર નીતિન ગડકરીએ ચૂંટણીના પ્રચારમાં શાળાના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ કૉંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અતુલ લોંઢે દ્વારા કરવામાં આવી હતી.
ત્રીજી એપ્રિલના રોજ કરવામાં આવેલી આ ફરિયાદમાં જણાવ્યાનુસાર ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે ચૂંટણી સંબંધિત કાર્યક્રમોમાં નાના બાળકોનો ઉપયોગ કરવો નહીં, છતાં ગડકરી દ્વારા તેમના પ્રચાર માટે શાળાના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પહેલી એપ્રિલના રોજ એનએસવીએમ ફુલવારી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન વૈશાલી નગર વિસ્તારમાં ગડકરીની પ્રચાર રેલીમાં ભાગ લીધો હતો. આ અત્યંત ગંભીર બાબત છે.
રાજકીય પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરવો તે બાળ કામગાર પ્રતિબંધક કાયદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. જેને પગલે ચૂંટણી પંચે શાળાના સંચાલક મુરલીધર પવનીકર તેમ જ પ્રિન્સિપાલ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ શિક્ષણાધિકારીને આપ્યો હતો.