અકસ્માતમાં ઘવાયેલા મોટરસાઇકલસવારને16 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) મુંબઈમાં 2018માં કારની ટક્કરથી ગંભીર ઇજા પામેલા મોટરસાઇકલસવારને 16.48 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 24 નવેમ્બરના રોજ સભ્ય રૂપાલી વી. મોહિતેની અધ્યક્ષતામાં ટ્રિબ્યુનલ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો.
ઘાયલ વ્યક્તિ સરફરાઝ અબુતલિબ શેખે અરજી દાખલ કરી હતી. ડીજે ઓપરેટર/ઇવેન્ટ મેનેજર સરફરાઝ શેખ (38) પાંચમી મે, 2018ના રોજ મોટરસાઇકલ પર પરેલ બ્રિજ પરથી જઇ રહ્યો હતો ત્યારે વિરુદ્ધ દિશાથી પૂરપાટ વેગે આવેલી કાર ડિવાઇડર કુદાવીને શેખની મોટરસાઇકલ સાથે ટકરાઇ હતી.
કારની ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાઇકલની પાછળ બેઠેલો શખસ બ્રિજ પરથી નીચે પડ્યો હતો, જ્યારે શેખને ગંભીર ઇજા થઇ હતી, જેમાં તેને અનેક ફ્રેક્ચર આવ્યા હતા.
કારમાં હાજર બે જણની ઓળખ ડ્રાઇવર વિનાયક લોટન પાટીલ (નવી મુંબઈ) તથા દિનેશ અશોક ગુરનાની (મુંબઈ) તરીકે થઇ હતી, જેઓ લેખિત નિવેદન નોંધાવવામાં નિષ્ફળ ગયા હતા, જેને કારણે તેમની સામે એકતરફી કેસ ચલાવવામાં આવ્યો હતો.
ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે રેકોર્ડ પરના પુરાવા અનુસાર રસ્તાની વિરુદ્ધ દિશાથી આવેલી કાર ડિવાઇડર કુદાવીને દાવેદારની મોટરસાઇકલ સાથે અથડાઇ હતી. મોટરસાઇકલની પાછળ બેઠેલો શખસ બ્રિજ પરથી નીચે પટકાયો હતો. આ કારના ડ્રાઇવરની ઉતાવળ અને બેદરકારી દર્શાવે છે. ટ્રિબ્યુનલે કારમાં હાજર બંનેને અરજીની તારીખથી રકમ જમા ન થાય ત્યાં સુધી વાર્ષિક નવ ટકા દરે વ્યાજ સાથે 16.48 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
(પીટીઆઇ)
આ પણ વાંચો…રેલવે અકસ્માત વળતર: વ્યથિત માતા-પિતા ખોટો દાવો કરે નહીં, હાઈ કોર્ટે રેલવે ટ્રિબ્યુનલનો આદેશ રદ કર્યો



