વીકએન્ડમાં ગરબાની મજા પર વરસાદ ફેરવશે પાણી...
Top Newsઆમચી મુંબઈ

વીકએન્ડમાં ગરબાની મજા પર વરસાદ ફેરવશે પાણી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ, થાણે સહિતના પરિસરમાં વીકએન્ડ માટે ઓરેન્જ અલર્ટ આપીને ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. તેથી શનિવાર-રવિવારની રજામાં ગરબાપ્રેમીઓની મજા પર વરસાદ પાણી ફેરવી શકે છે.
શનિવાર અને રવિવારની રજાના દિવસે મનભરીને ગરબા રમવાનું આયોજન કરનારાઓની પણ મજા પર પાણી ફરી વળવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં નિર્માણ થયેલા ડિપ્રેશનને કારણે ભારતીય હવામાન વિભાગે ૨૭થી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે શનિવાર અને રવિવાર માટે મુંબઈ, થાણે અને રાયગઢ માટે ઓરેન્જ અલર્ટની ચેતવણી આપી છે.


એક તરફ ઉત્તર ભારતમાંથી નૈર્ઋત્યનું ચોમાસું તબક્કવાર વિદાય લઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. તેમાં હવે વીકએન્ડમાં મુંબઈ, થાણે સહિતના રાજ્યના અનેક જિલ્લામાં ફરી મુશળધાર વરસાદ પડવાની શક્યતા હોવાથી રાજ્ય સરકાર ફરી અલર્ટ મોડમાં આવી ગઈ છે.

હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મંગળવાર અને બુધવાર બાદ ગુરુવારે પણ દિવસ દરમ્યાન તડકો અને વરસાદી વાતાવરણ રહ્યું હતું. જોકે હવે શુક્રવારથી વરસાદની પ્રવૃતિમાં વધારો થવાની શક્યતા છે. શુક્રવાર માટે યલો અલર્ટ અને ત્યારબાદ શનિવાર અને રવિવાર માટે મુંબઈ, થાણે, રાયગડ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લા માટે ઓરેન્જ અલર્ટની ચેતવણી હોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ૨૭ સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડી પર એક નવું ડિપ્રેશન બનવાની ધારણા છે જે વધુ તીવ્ર વરસાદનું કારણ બની શકે છે.

હવામાન વિભાગના નિષ્ણાતના જણાવ્યા મુજબ આગામી ૨૪થી ૪૮ કલાકમાં આંધ્ર પ્રદેશના કિનારે એક નવું ડિપ્રેશન નિર્માણ થવાની શક્યતા છે. આ દરમ્યાન ફિલિપાઈન્સ, તાઈવાન, ચાઈનામાં આવેલા રાગાસા વાવાઝોડાની થોડી ઘણી અસર ૨૭ સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં નિર્માણ થનારા ડિપ્રેશન સાથે ભળી જવાની શક્યતા છે, ત્યારબાદ આ સિસ્ટમ મહારાષ્ટ્રમાં આગળ વધશે. મધ્ય મહારાષ્ટ્રમાં આ સિસ્ટમ વમળ નિર્માણ કરશે અને તે આગળ ઉત્તર કોંકણમાં આગળ સ્થિત થશે.

ચોમાસાની વિદાય લંબાશે
આ દરમ્યાન હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદ ફરી સક્રિય થયો છે અને તેને કારણે ચોમાસાની વિદાય ઓક્ટોબરમાં થવાની શક્યતા છે. નોંધનીય છે કે આ વર્ષે મુંબઈમાં ચોમાસાનું આગમન પણ તેના નિયત સમય કરતા પહેલા એટલે કે ૨૬ મેના થયું હતું.

સપ્ટેમ્બરમાં સરેરાશ કરતા વધુ
મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં તેના ક્વોટા કરતા વધુ વરસાદ પડી ચુકયો છે અને વીકએન્ડમાં ફરી ભારે વરસાદની શક્યતા છે. તેથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદ રેકોર્ડ કરે એવી શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાંં સરેરાશ ૩૮૦ મિ.મી. વરસાદ પડતો હોય છે પણ ચાલુ વર્ષમાં અત્યાર સુધી સપ્ટેમ્બરમાં ૪૨૯ મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. જૂનથી અત્યાર સુધીમાં સાંતાક્રુઝમાં કુલ ૨,૯૨૩ મિ.મી. અને કોલાબામાં ૧,૯૬૦ મિ.મી. વરસાદ નોંધાયો છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button